જોકે આ અકસ્માત પાછળ ઘોડંબદર રોડ પરના ખાડા જવાબદાર હોવાનો દાવો સ્થાનિક જસ્ટિસ ફૉર ઘોડબંદરના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યો છે.
ઘોડબંદર રોડ પર નાગલા બંદર નજીક શનિવારે રાતે સ્કૂટર પર જતી ૨૧ વર્ષની ગઝલ તુતેજાને પાછળથી આવતા ડમ્પરે ટક્કર મારતાં અકસ્માતમાં તેનું મૃત્યુ થયું
થાણેના ઘોડબંદર રોડ પર નાગલા બંદર નજીક શનિવારે રાતે સ્કૂટર પર જતી ૨૧ વર્ષની ગઝલ તુતેજાને પાછળથી આવતા ડમ્પરે ટક્કર મારતાં અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. આ મામલે કાસારવડવલી પોલીસે ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી. ગઝલ શનિવારે રાતે માજીવાડાથી ઘરે જઈ રહી હતી ત્યારે પાછળથી પૂરપાટ વેગે આવી રહેલા ડમ્પરે તેને અડફેટે લીધા બાદ ડમ્પરચાલક ત્યાંથી નાસી ગયો હતો. જોકે પાછળથી પોલીસે તેને શોધીને તેની ધરપકડ કરી હતી. જોકે આ અકસ્માત પાછળ ઘોડંબદર રોડ પરના ખાડા જવાબદાર હોવાનો દાવો સ્થાનિક જસ્ટિસ ફૉર ઘોડબંદરના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યો છે.
કાસારવડવલી પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર નિવૃત્તિ કોલાટકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માતમાં મૃત્યુ પામેલી યુવતી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને અભ્યાસ પણ કરતી હતી. શનિવારે રાતે માજીવાડા નજીક એક પ્રોગ્રામ પતાવીને થાણેથી ફાઉન્ટન તરફ આગળ વધી સ્કૂટર પર તે ઘરે જઈ રહી હતી. એ સમયે તેણે હેલ્મેટ પણ પહેરી હતી. જોકે પાછળથી ત્રીજી લેનમાં આવેલા ડમ્પરે તેને ટક્કર મારી હતી. આ ઘટનામાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યાં ભેગા થયેલા લોકોએ તાત્કાલિક તેને હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડી હતી. જોકે ત્યાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ તેનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.’
ADVERTISEMENT
જસ્ટિસ ફૉર ઘોડબંદરનાં પ્રમુખ શ્રદ્ધા રાયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘોડબંદર રોડ પર રોજ ખાડા અને ખરાબ રસ્તાઓને લીધે અનેક અકસ્માત થઈ રહ્યા છે. એની સતત ફરિયાદો કરવા છતાં સરકારી એજન્સીઓ સાંભળવા તૈયાર નથી. ઘોડબંદર રોડ પરની બે લેન વિકાસનાં વિવિધ કામોમાં ઉપયોગ લેવામાં આવી રહી છે એટલે વાહનચાલકોને માત્ર છેલ્લી એક જ લેન અને સર્વિસ રોડ વાપરવા મળે છે. પ્રાથમિક માહિતી એવી છે કે શનિવારે જે અકસ્માત થયો છે એ ખાડાને કારણે થયો છે.’

