અન્ડરગ્રાઉન્ડ ટૅન્ક સાફ કરવા ઊતરેલા મજૂરોને સુરક્ષા માટે જરૂરી ઇક્વિપમેન્ટ્સ આપવામાં આવ્યાં ન હોવાનો પરિવારજનોનો આરોપ : નાગપાડામાં પાણીની ટાંકી સાફ કરવા ઊતરેલા પાંચ મજૂરમાંથી ચારનાં મોત, એક ગંભીર
નાગપાડામાં બની રહેલા નિર્બાન ગ્રુપના આ હાઇરાઇઝ બિલ્ડિંગની અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરવા ગયેલા ચાર મજૂરોનાં મોત થયાં હતાં. આ ઘટનાની જાણ થતાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો જે. જે. માર્ગ પોલીસ-સ્ટેશન પહોંચી ગયા હતા. (તસવીરો : સતેજ શિંદે)
નાગપાડાના દીમટીકર રોડ પર આવેલી ગુડલક મોટર ટ્રેઇનિંગ સ્કૂલની બાજુમાં બની રહેલા બિસ્મિલ્લા સ્પેસ બિલ્ડિંગની પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઊતરેલા પાંચ મજૂરોમાંથી ચારનાં ગૂંગળાઈ જવાને કારણે મોત થયાં હતાં, જ્યારે એક મજૂરને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ દુર્ઘટના ગઈ કાલે બપોરે ૧૨.૨૯ વાગ્યે બની હતી.
ફાયર બ્રિગેડના ઑફિસરે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘૧૦ ફુટ બાય ૧૩ ફુટની પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકીનો વપરાશ ઘણાં વર્ષોથી થયો નહોતો. એને લીધે એમાં બહુબધો કચરા જમા થઈ ગયો હતો. એટલે એને સાફ કરવા કૉન્ટ્રૅક્ટરે માણસોને ટાંકીમાં ઉતાર્યા હતા. કચરો ભરાઈ રહેવાને કારણે એમાં ઝેરી ગૅસ ભરાઈ ગયો હતો. એ ઝેરી ગૅસ કાઢવા વેન્ટિલેશન હોવું જરૂરી હોય છે.’
ADVERTISEMENT
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા મુજબ પાણીની ટાંકીમાં સફાઈ કરવા ઊતરેલા પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટરના મજૂરો ગૂંગળાઈ રહ્યા હોવાનું જણાઈ આવતાં આ બાબતની જાણ તરત જ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને તેમને બહાર કાઢ્યા હતા અને જે. જે. હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
જે. જે. હૉસ્પિટલના જણાવ્યા મુજબ એમાંથી હસિબુલ શેખ (૧૯ વર્ષ), રાઇઆ શેખ (૨૦ વર્ષ), જિયાઉલ શેખ (૩૬ વર્ષ) અને ઇમાન્દુ શેખ (૩૮ વર્ષ)ને દાખલ કરતાં પહેલાં તપાસતી વખતે તેઓ મૃત્યુ પામેલા હતા; જ્યારે બુરહાન શેખ (૩૧ વર્ષ)ને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી.
આ દુર્ઘટનામાં બચી ગયેલા બુરહાન શેખે કહ્યું હતું કે ‘હું છેલ્લે ટાંકીમાં ઊતર્યો ત્યારે જોયું કે મારા પહેલાં ઊતરેલા ચારે જણ બેહોશ થઈને પડ્યા હતા. મને પણ ચક્કર આવવા જેવું લાગવા માંડ્યું હતું, પણ ફાયર બ્રિગેડની ટીમે મને બચાવી લીધો હતો. અમને કોઈ પણ સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ આપવામાં આવ્યાં નહોતાં.’
આ ઘટનામાં મૃત્યુ પામનાર જિયાઉલ શેખના ભાઈ મરીઉલ શેખે કહ્યું હતું કે ‘આ લોકોને (કામગારોને) કોઈ સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ આપવામાં આવ્યાં નહોતાં. અમે મૂળ પશ્ચિમ બંગાળના છીએ. ગામમાં તેની બે દીકરીઓ છે. હવે તેમનું ભરણપોષણ કોણ કરશે?’
પોતાના ૧૯ વર્ષના જુવાનજોધ દીકરા હસિબુલને ગુમાવનાર સરીફુલ શેખે કહ્યું હતું કે ‘અમે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના છીએ અને હાલ નાયગાંવમાં રહીએ છીએ. મારી દીકરો હસિબુલ છેલ્લા આઠ મહિનાથી આ સાઇટ પર જ કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. તે આ કામ એટલા માટે કરતો હતો કે નાનાં ભાઈ-બહેનને ભણાવી શકે. હવે હું મારા પરિવારને શું કહીશ?’

