હૅન્ગિંગ ગાર્ડન-પરિસરમાં વૃક્ષો પર નોટિસો ચોંટાડાતાં વિરોધ : ૪૩ વૃક્ષ નષ્ટ થશે અને ૪૧નું ટ્રાન્સપ્લાન્ટેશન કરાશે
બીએમસી હેડક્વૉર્ટર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા મલબાર હિલ ખાતે સદી જૂના જળાશયના વિકલ્પ તરીકે પ્રસ્તાવિત નવા વૉટર રિઝર્વોયર માટે ૮૪ વૃક્ષો કપાવાનાં હોવાની વિગતો સામે આવતાં સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી ફેલાઈ છે.
શનિવારે મલબાર હિલના જાણીતા હૅન્ગિંગ ગાર્ડનની આસપાસ આવેલાં વૃક્ષો પર BMC દ્વારા નોટિસો ચોંટાડવામાં આવતાં સ્થાનિક નાગરિકો ચોંકી ઊઠ્યા હતા. આ વિસ્તારની હરિયાળી બચાવવા માટે BMC કોઈ અન્ય સ્થળ કેમ પસંદ કરતી નથી એવો સવાલ રહીશો ઉઠાવી રહ્યા છે. સુધારેલી યોજના અનુસાર કુલ ૮૪ વૃક્ષોમાંથી ૪૩ વૃક્ષો કાપવાની અને ૪૧ વૃક્ષોને અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.
આ વિવાદ વિશે સ્થાનિક રહીશોએ એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે BMC તરફથી વાંધા-સૂચનો મગાવવા માટે કોઈ જાહેર નોટિસ બહાર પાડવામાં આવે એ પહેલાં જ વૃક્ષો પર માર્કિંગ કેમ કરી દેવામાં આવ્યું?
