૧૪ જાન્યુઆરીએ જયપુરમાં ધીર સાંગાનેરિયાએ કારની સનરૂફમાંથી પતંગ જોવા માથું બહાર કાઢ્યું અને કપાયેલા પતંગની દોરીથી તેનું ગળું ચિરાઈ ગયું
ધીર સાંગાનેરિયા
રાજસ્થાનના જયપુરમાં ૧૪ જાન્યુઆરીએ મકર સંક્રાન્તિના દિને પ્રતિબંધિત ચાઇનીઝ માંજાએ મુંબઈના ૬ વર્ષના ધીર સાંગાનેરિયાનો જીવ લઈ લીધો હતો. કારની સનરૂફમાંથી બહાર નીકળીને તે આકાશમાં ઊડતી પંતગ જોઈ રહ્યો હતો ત્યારે માંજાએ તેનું ગળું ચીરી નાખ્યું હતું જેને કારણે તેનું મોત થયું હતું.
ધીર સાંગાનેરિયાના પરિવારજનોએ રવિવારે અંધેરીના ચાર બંગલા ખાતે શોકસભાનું આયોજન કર્યું હતું. ધીરના નાના જયપુરના ઉદ્યોગપતિ અને ઍડ્વર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા જે. ડી માહેશ્વરીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે પરિવાર આઘાતમાં અને વ્યથિત હોવાથી આ ઘટનાની ડિટેઇલ્સ આપી શકાય એમ નથી.
ADVERTISEMENT
જે. ડી. માહેશ્વરીની દીકરીનો એકમાત્ર પુત્ર ધીર મકર સંક્રાન્તિની ઉજવણી માટે તેનાં નાના-નાની પાસે રહ્યો હતો. જે. ડી. માહેશ્વરીના એક મિત્રને મીડિયાને જણાવ્યું હતું કે ‘ધીર અને તેના પપ્પા ફરવા ગયા હતા. તેઓ કારમાં જઈ રહ્યા હતા ત્યારે ધીરે ઊડતી પતંગ જોવા માટે સનરૂફ ખોલી હતી. ધીર જ્યારે એમાંથી બહાર નીકળીને આકાશમાં જોઈ રહ્યો હતો ત્યારે એક કપાયેલી પતંગના દોરાથી તેનું ગળું કપાઈ ગયું હતું. ધીરના પપ્પા તેને એક હૉસ્પિટલમાં લઈ ગયા હતા એ પછી બીજી હૉસ્પિટલમાં લઈ ગયા, પણ ધીરને ડૉક્ટરોએ મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. ફૂલ જેવા માસૂમ ધીરના અણધાર્યા મોતથી પરિવાર ભારે દુઃખમાં સરી પડ્યો છે.’


