દાદર સ્ટેશન પર હાર્ટ-અટૅક આવ્યા પછી હૉસ્પિટલમાં જીવ ગુમાવનારા ૬૮ વર્ષના કચ્છી ગૃહસ્થનો પરિવાર કહે છે...
રમેશ વિસનજી
‘મારા પપ્પા દાદર સ્ટેશન પર સાંજના સમયે અચાનક હાર્ટ-પ્રૉબ્લેમને લીધે પડી ગયા ત્યારે અમારા પરિવારજનોમાંથી કોઈ તેમની સાથે નહોતું. જોકે મુંબઈના ધમાલિયા જીવનમાં હજી પણ માનવતા જીવે છે એનો અમને અહેસાસ થયો હતો. મારા પપ્પાનો જીવ બચાવવા માટે દાદર રેલવે-સ્ટેશનના કૂલીઓએ પ્રયાસ કરીને તેમને માહિમની હિન્દુજા હૉસ્પિટલ સુધી પહોંચાડ્યા. તે કૂલીઓ પર ભગવાનની કૃપા વરસે એવી અમારા પરિવારની શુભેચ્છા. કમભાગ્યે મારા પપ્પા બચી શક્યા નહોતા.’
આ શબ્દો બોલતાં-બોલતાં દાદરનો લેડીઝવેઅરનો વેપારી ધર્માંગ રાંભિયા ગળગળો થઈ ગયો હતો.
ADVERTISEMENT
ડોમ્બિવલી-ઈસ્ટના શંખેશ્વરનગરમાં રહેતા કચ્છી વીસા ઓસવાળ જૈન રમેશ વિસનજી ૬૮ વર્ષના હતા. રમેશભાઈ મંગળવારે ડોમ્બિવલીથી તેમની દાદર-વેસ્ટના રામ ગોપાલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી દુકાને ગયા હતા. સાંજે તેઓ એકલા દુકાનથી પાછા ઘરે જઈ રહ્યા હતા. રમેશભાઈ દાદર સ્ટેશનના ૭ નંબરના પ્લૅટફૉર્મ પર પહોંચ્યા ત્યારે તેમને હાર્ટ-અટૅક આવ્યો હતો. તરત જ રેલવેના કૂલીઓ તેમને પ્લૅટફૉર્મ પર જ પ્રાથમિક સારવાર આપીને ઍમ્બ્યુલન્સમાં હિન્દુજા હૉસ્પિટલમાં લઈ ગયા હતા. રમેશભાઈને આ પહેલાં ૨૦૧૧માં હાર્ટ-પ્રૉબ્લેમને લીધે સ્ટેન્ટ બેસાડવામાં આવ્યા હતા. જોકે ત્યાર પછી તેમની હાર્ટની કદી કોઈ ફરિયાદ નહોતી. આ માહિતી આપતાં તેમના પુત્ર ધર્માંગ રાંભિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પપ્પા ઑફિસથી નીકળ્યા ત્યારે તેમની કોઈ ફરિયાદ નહોતી. સામાન્ય રીતે માટુંગા ટૅક્સીમાં જઈને ત્યાંથી ટ્રેન પકડતા પપ્પા મંગળવારે સાંજે કેવી રીતે દાદર પહોંચ્યા એની અમારી પાસે કોઈ માહિતી નથી. પપ્પા દાદર સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૭ પર ઢળી પડ્યા અને ત્યાર પછી કૂલીઓ તેમને સ્ટ્રેચર પર હૉસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે મારા એક સ્ટાફ-મેમ્બરની તેમના પર નજર ગઈ હતી. તેણે મને અને મારા પપ્પાના એક ફ્રેન્ડને આ બાબતની જાણકારી આપી હતી. પપ્પાના ફ્રેન્ડ નજીક હોવાથી તરત જ સ્ટેશને પહોંચી ગયા હતા.’
મને હિન્દુજા જવા માટે દાદર સ્ટેશનથી ટૅક્સી મળતી નહોતી, પણ એક વ્યક્તિ ટૅક્સીમાં જતી હતી તેને વિનંતી કરીને મેં લિફ્ટ માગી હતી એમ જણાવીને ધર્માંગ રાંભિયાએ કહ્યું હતું કે ‘તે વ્યક્તિ મને હિન્દુજા હૉસ્પિટલ સુધી ટૅક્સીમાં મૂકી ગઈ હતી. મારા માટે તે વ્યક્તિ પણ ભગવાન બનીને આવી હતી. મને તે વ્યક્તિમાં માનવતાનાં દર્શન થયાં હતાં. હું હૉસ્પિટલમાં પહોંચ્યો એ પછી મને ત્યાંના ડૉક્ટરોએ પપ્પાના મૃત્યુના સમાચાર આપ્યા હતા. ત્યારે કૂલીઓ ત્યાં જ હાજર હતા. તેમની આંખો પણ આંસુથી ભરાયેલી હતી.’
કૂલીઓએ મને જોયો કે તરત જ તેમણે રડમસ અવાજમાં કહ્યું હતું કે ‘સા’બ, હમને આપકે પિતાજી કો બચાને કે લિએ પૂરા કોશિશ કિયા, લેકિન હમ બચા નહીં પાએ.’ આ માહિતી આપતાં ધર્માંગ રાંભિયાએ કહ્યું હતું કે ‘કૂલીઓએ મને કહ્યું કે તેમણે પપ્પાને પ્રાથમિક સારવાર આપીને બચાવવાની પૂરી કોશિશ કરી હતી, પણ રિકવરી થઈ નહીં. ઍમ્બ્યુલન્સ પણ દાદર સ્ટેશનથી ટ્રાફિક હોવા છતાં બહુ જલદી હૉસ્પિટલ પહોંચી ગઈ હતી. આમ છતાં પપ્પાને તેઓ બચાવી શક્યા નહોતા. મારું હૃદય હચમચી ગયું હતું, પણ માનવતા હજી જીવંત છે એનો અહેસાસ થયો હતો.’
હું દીકરા તરીકે પપ્પાના મૃત્યુ સમયે સાથે ન રહી શક્યો, પણ પપ્પાનો આ કૂલીઓ સાથે કોઈ ભવનો ઋણાનુબંધ હશે કે તેઓ પપ્પાના દીકરા બનીને તેમની સાથે રહ્યા હતા એમ જણાવતાં ધર્માંગ રાંભિયાએ કહ્યું હતું કે અમારા પરિવાર માટે મને હૉસ્પિટલ સુધી ટૅક્સીમાં લિફ્ટ આપનારી વ્યક્તિ અને પપ્પાનો જીવ બચાવવા માટે તેમની સાથે રહેનારા કૂલીઓ ભગવાન સમાન છે.
શું કહે છે રેલવે પોલીસ?
દાદર ગવર્નમેન્ટ રેલવે પોલીસના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રમેશ રાંભિયા સાંજના છ વાગ્યાની આસપાસ મોટા બ્રિજ પરથી સેન્ટ્રલ રેલવેમાં લોકલ ટ્રેન પકડવા જઈ રહ્યા હતા ત્યારે તેમને વેસ્ટર્ન રેલવેના બ્રિજ પર જ ચક્કર આવી ગયાં હતાં અને તેઓ પડી ગયા હતા. એ વિશે ખબર પડતાં અમે તરત જ કૂલીને લઈને ત્યાં પહોંચી ગયા હતા. અમે પહોંચ્યા ત્યારે રમેશભાઈના શ્વાસ ચાલી રહ્યા હતા. અમારા સ્ટાફે તરત જ તેમને પ્રાથમિક સારવાર આપીને ૧૦૮ ઍમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. ઍમ્બ્યુલન્સના ડૉક્ટરે હાર્ટના પેશન્ટને જરૂરી હોય એ પ્રાથમિક સારવાર આપી હતી. આ દરમ્યાન તેમના એક રિલેટિવ ત્યાં આવી ગયા હતા. અમે સામાન્ય રીતે બ્રિજ પર કોઈ વ્યક્તિને અકસ્માત નડે તો સાયન હૉસ્પિટલમાં લઈ જઈએ છીએ, પણ રમેશભાઈના રિલેટિવે અમને રિક્વેસ્ટ કરી હતી કે રમેશભાઈને માહિમની હિન્દુજા હૉસ્પિટલમાં લઈ જવામાં આવે જેથી તેમને સારી ટ્રીટમેન્ટ આપી શકાય. અમારી પહેલી ફરજ છે કે પેશન્ટનો જીવ બચે. આથી અમે તેમની રિક્વેસ્ટ માન્ય રાખીને રમેશભાઈને ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં હિન્દુજા હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.’
આજે પ્રાર્થનાસભા
પપ્પાની બધી વિધિ પૂરી કરીને અમે પપ્પાની ડેડ-બૉડીને ડોમ્બિવલી લઈ આવ્યા હતા જ્યાં બુધવારે અમે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ માહિતી આપતાં ધર્માંગ રાંભિયાએ કહ્યું હતું કે આજે માટુંગા-ઈસ્ટની નારાયણજી શામજી વાડીમાં બપોરે ૧.૩૦થી ૩ વાગ્યા સુધી અમે પ્રાર્થનાસભા રાખી છે.

