વૃક્ષો કાપવાના વિરોધમાં વિવાદ વકરે એ પહેલાં MMRDAની સ્પષ્ટતા, પિન્ક ટ્રમ્પેટ વૃક્ષો પણ નહીં કપાય
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલાં પિન્ક ટ્રમ્પેટ ટ્રી વૃક્ષોની હારમાળા.
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ચેમ્બુરના છેડાનગરથી થાણે સુધી એલિવેટેડ રોડ બનાવવાના પ્રોજેક્ટમાં ૭૦૦ જેટલાં પિન્ક ટ્રમ્પેટ વૃક્ષ કાપવાના સમાચાર આવ્યા બાદ સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. વિવાદ વધુ વકરે એ પહેલાં જ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ સ્પષ્ટતા કરી દીધી છે. MMRDAએ જણાવ્યું હતું કે અમે વિકાસકાર્યો કરતી વખતે પૂરતી કાળજી લઈ રહ્યા છીએ જેથી પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે.
MMRDAએ કહ્યું હતું કે ‘બોટલનેકને લીધે થતા ભારે ટ્રાફિક જૅમની સમસ્યા ઉકેલવા માટે અમે આ એલિવેટેડ રોડ બનાવી રહ્યા છીએ. એને લીધે લોકોનો ૪૦ ટકા જેટલો સમય બચશે અને ઈંધણની બચત પણ થશે. એની સીધી અસરથી પ્રદૂષણ પણ ઘટશે અને પર્યાવરણનું સંતુલન જળવાઈ રહેશે. એ ઉપરાંત એ વિસ્તારમાં આવેલાં ઝાડમાંથી પ્રોજેક્ટ માટે જરૂરી હોય એટલાં જ વૃક્ષ કાપવામાં આવે એવા પ્રયાસ અમે કર્યા છે અને એ માટેનાં પગલાં લીધાં છે.’
ADVERTISEMENT
MMRDAએ કઈ સ્પષ્ટતા કરી?
ટ્રી ઑથોરિટીની પરવાનગી વગર વૃક્ષ કપાશે નહીં અને ટ્રાન્સપ્લાન્ટ પણ નહીં કરાય. એલિવેટેડ રોડની ડિઝાઇન ફાઇનલ કરતાં પહેલાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે વૃક્ષને ઓછામાં ઓછું નુકસાન થાય, જેમ કે વિક્રોલી-ઘાટકોપર વચ્ચે ૧૨૭ પિન્ક ટ્રમ્પેટ ટ્રી બચાવવામાં આવશે. પહેલાં સર્વિસ રોડની ઉપરથી પસાર થવાનો હતો એ રોડની ડિઝાઇન બદલી છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન સાથે જૉઇન્ટ સર્વે કરવામાં આવ્યો છે જેમાં આ પ્રોજેક્ટને લીધે ૧૬૫૫ વૃક્ષ અસરગ્રસ્ત થશે એવું જણાયું છે અને એમાંથી ૯૪૯ વૃક્ષને જાળવી રાખવામાં આવશે. ૩૮૬ ઝાડ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. માત્ર ૩૨૦ વૃક્ષો જ હટાવવાં પડે એમ છે અને એટલાં જ કાપવામાં આવશે અને એની સામે ૪૧૭૫ નવાં વૃક્ષ વાવવામાં આવશે.

