Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જીવના જોખમે સેલ્ફી લેવાની લાય ક્યારે બંધ થશે?

જીવના જોખમે સેલ્ફી લેવાની લાય ક્યારે બંધ થશે?

Published : 05 August, 2024 11:20 AM | Modified : 12 November, 2026 04:34 PM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મનાઈ હોવા છતાં ઘાટ પર સેલ્ફી લેવાના ચક્કરમાં ૩૦૦ ફીટ ઊંડી ખીણમાં પડી યુવતી, જોકે ૫૦ ફીટ પર ઝાડમાં અટવાઈ એટલે જીવ બચ્યો

ખીણમાં પડેલી રૂપાલી દેશમુખને પોલીસના જવાને દોરડાની મદદથી બચાવી હતી.

ખીણમાં પડેલી રૂપાલી દેશમુખને પોલીસના જવાને દોરડાની મદદથી બચાવી હતી.


ચોમાસામાં પર્યટન-સ્થળો અને વૉટરફૉલ પાસે જવામાં જોખમ હોવાની ચેતવણી આપવામાં આવી હોવા છતાં લોકો સમજતા નથી અને જીવ ગુમાવે છે અથવા તો મુશ્કેલીમાં મુકાય છે. સાતારામાં ઠોસેઘરમાં આવેલા બોરણે ઘાટમાં સજ્જનગડ પર ૨૯ વર્ષની રૂપાલી દેશમુખ નામની યુવતી સેલ્ફી લેતી હતી ત્યારે તેનો પગ સ્લિપ થવાથી તે ૩૦૦ ફીટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જોકે જ્યાંથી પડી હતી એ સપાટીથી પ૦ ફીટની ઊંડાઈએ એક ઝાડમાં અટવાઈ જવાથી રૂપાલીનો જીવ બચી ગયો હતો. સોશ્યલ મીડિયામાં રૂપાલીને રેસ્ક્યુ કરવાનો વિડિયો વાઇરલ થયો છે એ જોઈને લોકો કમેન્ટ કરી રહ્યા છે કે કોઈએ પણ આવું જોખમ ન લેવું જોઈએ.

સાતારા પોલીસના જણાવ્યા મુજબ સાતારામાં જ રહેતી રૂપાલી દેશમુખ તેના ફ્રેન્ડ્સ સાથે શુક્રવારે સજ્જનગડ પહોંચી હતી. બપોરના સમયે રૂપાલી સેલ્ફી લેતી હતી ત્યારે તેનો પગ સ્લિપ થયો હતો અને તે ૩૦૦ ફીટ ઊંડી ખીણમાં ગબડી પડી હતી. રૂપાલી ખીણમાં પડી ગઈ હોવાનું જોઈને તેની સાથેના ફ્રેન્ડ્સ ગભરાઈ ગયા હતા. થોડી વારમાં રૂપાલીની બચાવો... બચાવો...ની બૂમો સાંભળાઈ હતી. મિત્રોએ રૂપાલીને બચાવવા માટે આસપાસમાં હાજર અને સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો. પોલીસે તરત જ ઠોસેઘર વન સમિતિની ટીમને જાણ કરતાં થોડી વારમાં મહાબળેશ્વર ટ્રેકર્સ અને શિવેન્દ્રરાજે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જે જગ્યાએથી રૂપાલીનો અવાજ આવતો હતો ત્યાં અવિનાશ માંડવે નામનો પોલીસનો જવાન દોરડાની મદદથી ખીણમાં ઊતર્યો હતો. થોડી વારમાં આ જવાન રૂપાલીને પાછળથી પકડીને ધીમે-ધીમે હેમખેમ ઉપર લઈ આવ્યો હતો. ઊંચાઈ પરથી પડવાને લીધે ખૂબ ગભરાઈ ગયેલી રૂપાલીને કમર અને પીઠમાં ગંભીર ઈજા થઈ હતી એટલે તેને બાદમાં સ્થાનિક હૉસ્પિટલમાં ઍડ‍્મિટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.



સાતારા તાલુકાના પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ એન. બી તાંબેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે યુવતી અને ત્રણ યુવક વરસાદ એન્જૉય કરવા આવ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. રૂપાલી દેશમુખ સહિત ચાર જણ સ્થાનિક છે તો તેમની એક ફ્રેન્ડ પુણેથી આવી હતી. ઊંચાઈએથી પડવાને લીધે રૂપાલી વધુ ગભરાઈ ગઈ હતી. તેને ૩૦ મિનિટમાં રેસ્ક્યુ કરવામાં આવી હતી.’


નો એન્ટ્રીમાં જઈને જોખમ ખેડ્યું

ચોમાસામાં સજ્જનગડમાં મોટા પ્રમાણમાં લોકો વરસાદની મજા માણવા આવે છે ત્યારે કેટલાક લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે એટલે સ્થાનિક પોલીસ અને પ્રશાસને અહીં પર્યટકો માટે નો એન્ટ્રી રાખી છે. આમ છતાં લોકો પોલીસની નજર ચૂકવીને ઘાટ પર પહોંચી જાય છે અને રૂપાલી દેશમુખની જેમ જીવ જોખમમાં મૂકે છે એમ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 04:34 PM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK