Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઇન્ડિયા શરમજનક ક્લીન સ્વીપથી બચી કાંગારૂઓ સામે

ટીમ ઇન્ડિયા શરમજનક ક્લીન સ્વીપથી બચી કાંગારૂઓ સામે

Published : 26 October, 2025 11:38 AM | IST | Sydney
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રન-ચેઝ કરવા દરમ્યાન ભારતની એકમાત્ર વિકેટ કૅપ્ટન શુભમન ગિલની પડી હતી.

ગઈ કાલે સિડનીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના ચાહકો તેમના પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરવા અનોખાં બૅનર લાવ્યા હતા, પ્લેયર ઑફ ધ મૅચ અને સિરીઝના અવૉર્ડ સાથે રોહિત શર્મા.

ગઈ કાલે સિડનીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના ચાહકો તેમના પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરવા અનોખાં બૅનર લાવ્યા હતા, પ્લેયર ઑફ ધ મૅચ અને સિરીઝના અવૉર્ડ સાથે રોહિત શર્મા.


સિડની વન-ડેમાં ઑસ્ટ્રેલિયા ૨૩૬ રનમાં સમેટાયું, રોહિત-વિરાટે ૧૬૮ રનની ભાગીદારી કરીને ૬૯ બૉલ પહેલાં ૯ વિકેટે જીત અપાવી : પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હિટમૅન : કોહલી બની ગયો વન-ડે ક્રિકેટનો સેકન્ડ હાઇએસ્ટ સ્કોર

રોહિત શર્માની પચાસમી ઇન્ટરનૅશનલ સેન્ચુરી, બે ઝીરો પછીની વિરાટ કોહલીની લડાયક હાફ સેન્ચુુરી તથા બન્ને વચ્ચે ૨૧૦૬ દિવસ પછી થયેલી સેન્ચુરી પાર્ટનરશિપે ભારતની લાજ રાખી



સિડનીમાં ગઈ કાલે ત્રીજી વન-ડેમાં ૯ વિકેટે જીત અપાવીને રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ભારતને ક્લીન સ્વીપથી બચાવ્યું હતું. પહેલી બન્ને મૅચ જીતનાર ઑસ્ટ્રેલિયાએ ૨-૧થી સિરીઝ-વિજયનો સંતોષ માનવો પડ્યો હતો. ભારતે શાનદાર બોલિંગ પ્રદર્શનના આધારે ઑસ્ટ્રેલિયાને ૪૬.૪ ઓવરમાં ૨૩૬ રને ઑલઆઉટ કર્યું હતું. જવાબમાં રોહિત-કોહલીની હિટ જોડીએ બીજી વિકેટ માટે ૧૬૮ રનની ભાગીદારી કરીને ૩૮.૩ ઓવરમાં એટલે કે ૬૯ બૉલ પહેલાં ૨૩૭ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.


ઑસ્ટ્રેલિયા અને ભારતના વન-ડે ઇતિહાસની આ ૧૬મી વન-ડે દ્વિપક્ષીય સિરીઝ હતી જેમાં હવે ઑસ્ટ્રેલિયાએ ૯-૭ના રેકૉર્ડથી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ઑસ્ટ્રેલિયા પાસે બન્ને ટીમના વન-ડે ઇતિહાસમાં પહેલી વખત ક્લીન સ્વીપ કરવાની તક હતી. જોકે કાંગારૂઓ સામે મજબૂત દીવાલ બનીને રોહિત-વિરાટની જોડીએ ભારતની લાજ રાખી હતી.

ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શે પાંચ ફોર અને એક સિક્સરની મદદથી ૫૦ બૉલમાં ૪૧ રન કરીને સારી શરૂઆત અપાવી હતી. મિડલ ઑર્ડર બૅટર મૅટ રેશાઁ બે ફોરના આધારે ૫૮ બૉલમાં ૫૬ રનની ઇનિંગ્સ રમ્યો પરતું તેની વિકેટ બાદ ટીમનો ધબડકો થયો હતો. તેની વિકેટ સાથે ઑસ્ટ્રેલિયાએ ૪૧ રનમાં છેલ્લી ૬ વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ૩૯ રન આપીને સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. સ્પિનર વૉશિંગ્ટન સુંદરને બે અને અક્ષર પટેલ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજને એક-એક સફળતા મળી હતી.


રન-ચેઝ કરવા દરમ્યાન ભારતની એકમાત્ર વિકેટ કૅપ્ટન શુભમન ગિલની પડી હતી. ૨૬ બૉલમાં બે ફોર અને એક સિક્સરની મદદથી ૨૪ રન કરીને તે ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડની ઓવરમાં કૅચઆઉટ થયો હતો. અહીંથી બીજી વિકેટ માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ૧૬૯ બૉલમાં ૧૬૮ રનની પાર્ટનરશિપ કરીને ૭ કાંગારૂ બોલરોને હેરાન કર્યા હતા. ઍડીલેડમાં ૨૭ રનથી સદી ચૂકી ગયા બાદ રોહિત શર્મા સિડનીમાં ગઈ કાલે ૧૨૫ બૉલમાં ૧૩ ફોર અને ૩ સિક્સર ફટકારીને ૧૨૧ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો. સતત બે વખત ઝીરો પર આઉટ થયા બાદ વિરાટ કોહલીએ ૮૧ બૉલમાં ૭ ફોરના આધારે નૉટઆઉટ ૭૪ રન ફટકારીને ફૅન્સને ખુશ કરી દીધા હતા.

રોહિત શર્મા-વિરાટ કોહલીની નંબર ગેમ

6 - આટલી વન-ડે સદી ઑસ્ટ્રેલિયામાં ફટકારીને રોહિતે વિરાટ કોહલી અને કુમાર સંગકારાની પાંચ સદીનો રેકૉર્ડ તોડ્યો.

70 - આટલી વખત વન-ડેમાં રન-ચેઝ સમયે 50+ સ્કોર કરીને વિરાટ કોહલીએ સચિન તેન્ડુલકરનો ૬૯ વખતનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો. 
78 - આટલી વખત ઑસ્ટ્રેલિયા સામે કૅચ પકડીને એક ટીમ સામે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ કૅચ પકડનાર ફીલ્ડર બન્યો વિરાટ કોહલી.

9 - આટલી સદી સાથે ઑસ્ટ્રેલિયા સામે સૌથી વધુ વન-ડે સદી ફટકારનાર બૅટર તરીકે રોહિતે સચિન તેન્ડુલકરના રેકૉર્ડની બરાબરી કરી. 
12 - આટલી વખત વન-ડેમાં 150+ રનની ભાગીદારીના સચિન-ગાંગુલીના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી રોહિત-વિરાટે.

38 - વર્ષ 178 દિવસ આટલી ઉંમરે વન-ડેમાં પ્લેયર ઑફ ધ મૅચ અને સિરીઝનો અવૉર્ડ જીતનાર ઓલ્ડેસ્ટ ભારતીય બન્યો રોહિત શર્મા.

50 - આટલી ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારનાર વિશ્વનો દસમો અને ભારતનો ત્રીજો પ્લેયર બન્યો રોહિત શર્મા.

રોહિત-વિરાટે ભારત માટે હાઇએસ્ટ મૅચ રમવાના રેકૉર્ડની બરાબરી કરી

ગઈ કાલે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમીને ભારતના અનુભવી ક્રિકેટરો રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડીએ એક મોટા રેકૉર્ડની બરાબરી કરી હતી. બન્નેએ સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડ દ્વારા ભારત માટે હાઇએસ્ટ ૩૯૧ ઇન્ટરનૅશનલ મૅચ રમવાના રેકૉર્ડની બરાબરી કરી હતી. વિરાટ અને રોહિત ટેસ્ટ-ફૉર્મેટમાં ૬૦, T20 ઇન્ટરનૅશનલમાં ૧૦૬ અને વન-ડેમાં ૨૨૫ મૅચમાં ભારતીય ટીમ માટે એકસાથે મેદાન પર રમ્યા છે. 

કુમાર સંગકારાને પછાડીને વન-ડેનો નંબર-ટૂ બૅટર બન્યો કિંગ કોહલી 
સચિન તેન્ડુલકર - ૪૫૨ ઇનિંગ્સમાં ૧૮,૪૨૬ રન 
વિરાટ કોહલી - ૨૯૩ ઇનિંગ્સમાં ૧૪,૨૫૫ રન 
કુમાર સંગકારા - ૩૮૦ ઇનિંગ્સમાં ૧૪,૨૩૪ રન 
રિકી પૉન્ટિંગ - ૩૬૫ ઇનિંગ્સમાં ૧૩,૭૦૪ રન 
સનથ જયસૂર્યા - ૪૩૩ ઇનિંગ્સમાં ૧૩,૪૩૦ રન 

નવ વર્ષ બાદ સિડનીમાં ભારતની વન-ડે જીત 
ગઈ કાલની મૅચ પહેલાં ઑસ્ટ્રેલિયાનો સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર વન-ડેમાં ભારત સામે ૧૬-૨નો જબરદસ્ત રેકૉર્ડ હતો. ભારત કાંગારૂઓને સિડનીમાં ૨૦૦૮ અને ૨૦૧૬માં વન-ડેમાં હરાવી શક્યું હતું. ૨૦૧૬ બાદ અહીં રમાયેલી ત્રણેય વન-ડેમાં ભારત હારી ગયું હતું. છેક ૯ વર્ષ બાદ સિડનીમાં વન-ડે જીત નોંધાવી ભારતે અહીં હારનો સિલસિલો તોડ્યો છે‍. 

ભારત સતત ૧૮ વાર ટૉસ હાર્યું, પ્લેઇંગ ઇલેવનમાં કર્યા બે ફેરફાર 
સિડની વન-ડેમાં પણ ટૉસ ઑસ્ટ્રેલિયાના પક્ષમાં જતાં ભારતે આ ફૉર્મેટમાં સતત ૧૮ વખત ટૉસ હારવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. ભારત છેલ્લે ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન ટૉસ જીત્યું હતું. ત્રીજી વન-ડે માટે ભારતે પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા હતા. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીના સ્થાને સ્પિનર કુલદીપ યાદવ અને પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને રમવાની તક મળી હતી. બીજી વન-ડેમાં ડાબા હાથના સ્નાયુઓમાં ઇન્જરી થઈ હોવાથી નીતીશ કુમાર રેડ્ડી ત્રીજી મૅચમાં સિલેક્શન માટે ઉપલબ્ધ નહોતો.\

૨૧૦૬ દિવસ બાદ રોહિત-વિરાટ વચ્ચે શતકીય પાર્ટનરશિપ 
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રોહિત અને કોહલી વચ્ચેની છેલ્લી શતકીય ભાગીદારી ૨૧૦૬ દિવસ પહેલાં નોંધાઈ હતી. અગાઉની ભાગીદારી જાન્યુઆરી ૨૦૨૦માં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં આવી હતી. આ બે સદી વચ્ચે આ જોડીએ તમામ ફૉર્મેટમાં ૪૯ વખત (ટેસ્ટમાં ૯, વન-ડેમાં અને T20માં ૨૦-૨૦ વખત) સદીની ભાગીદારી વિના બૅટિંગ કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2025 11:38 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK