ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર કન્ટ્રોલ ટીમના જવાનોએ મળીને આગને થોડી જ વારમાં કાબૂમાં લીધી હતી
રિગ મશીનમાં લાગેલી આગને ઓલવવા ફાયર-બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
ગુરુવારે પરોઢિયે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતા એક ટ્રેલરમાં આગ લાગી હતી. જમીનમાં ઊંડા ખાડા કરવા માટે વપરાતા રિગ મશીનને લઈને જતું આ ટ્રેલર નૌપાડા વિસ્તારમાંથી પસાર થતું હતું ત્યારે રિગ મશીનની બૅટરી અને કન્ટ્રોલ પેનલના ભાગમાં આગ લાગી હતી. ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર કન્ટ્રોલ ટીમના જવાનોએ મળીને આગને થોડી જ વારમાં કાબૂમાં લીધી હતી. વહેલી સવારે ૩.૪૬ વાગ્યે બનેલા આ બનાવ બાદ થોડા સમય માટે આ માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સવારે ૪.૩૦ વાગ્યે આગ સંપૂર્ણપણે બુઝાયા બાદ ટ્રેલરને રસ્તા પરથી ખસેડવામાં આવ્યું હતું. આગ લાગવાને કારણે રિગ મશીન અને ટ્રેલરને ભારે નુકસાન થયું હતું.

