કે. જે. સોમૈયા કૉલેજમાં એન્જિનિયરિંગમાં દીકરીને ઍડ્મિશન અપાવવાના નામે થાણેની મહિલાના ૧૬.૩૫ લાખ રૂપિયા પડાવી લેવાયા
પ્રતીકાત્મક તસવીર
થાણે-વેસ્ટના દેવદયાનગરમાં રહેતી ૪૬ વર્ષની મહિલાની ૧૮ વર્ષની દીકરીને વિદ્યાવિહારની કે. જે. સોમૈયા કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાં ઍડ્મિશન અપાવવાના બહાને ત્રણ જણે ૧૬,૩૫,૫૦૦ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ શનિવારે કાપુરબાવડી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. એક અખબારમાં પ્રસિદ્ધ થયેલી જાહેરાતમાં જાણીતી કૉલેજમાં ઍડ્મિશન અપાવવાની ખાતરી આપવામાં આવી હતી જેના આધારે મહિલા એ ઠગોના સંપર્કમાં આવી હતી. આરોપીઓ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં પ્રવેશ અપાવવાનું વચન આપીને બોગસ ઍડ્મિશન ફૉર્મ તથા પૈસા ભરેલી રસીદ આપીને વિશ્વાસ જીત્યા હતા અને વિવિધ હપ્તામાં મોટી રકમ પડાવી લીધી હતી. જોકે મહિલા તાજેતરમાં આરોપીઓ પાસેથી મળેલી રિસીટના આધારે કૉલેજમાં ID કાર્ડ લેવા પહોંચી ત્યારે રજૂ કરાયેલા તમામ દસ્તાવેજો બોગસ હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
