આખી રાત ચાલ્યું રેસ્ક્યુ આૅપરેશન, ૪ પ્રવાસીનાં મોત, ૧૯ ઘાયલ
રાતના અંધારામાં લોકોને બચાવવાનું કામ અઘરું થઈ ગયું હતું. આખી રાત રેસ્ક્યુ ઑપરેશન ચાલ્યું હતું.
હિમાચલના કુલુ જિલ્લામાં ઔટ-લુહરી-સૈંજ નૅશનલ હાઇવે પર સોઝા નજીક જાલોરામાં ૨૩ લોકોને લઈને જતો એક ટેમ્પો-ટ્રાવેલર ખીણમાં પડી જતાં ૪ પ્રવાસીઓનાં મૃત્યુ થયાં હતાં જ્યારે ૧૯ લોકો ઘાયલ થયા છે. ઘાયલોની બંજાર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બધા પ્રવાસીઓ જાલોરી જોટથી ફરીને પાછા જતા હતા. તમામ ટૂરિસ્ટ દિલ્હીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પ્રતિકૂળ હવામાન અને લપસણા રસ્તાને કારણે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો એના કારણે અકસ્માત થયો હતો. ખૂબ ઊંચાઈએથી ટેમ્પો ખીણમાં પડ્યો હોવાથી ટેમ્પો-ટ્રાવેલર સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. રાતના અંધારામાં લોકોને બચાવવાનું કામ અઘરું થઈ ગયું હતું. આખી રાત રેસ્ક્યુ ઑપરેશન ચાલ્યું હતું.
