જોકે ઍડ્મિનિસ્ટ્રેટિવ ભૂલને કારણે એક જ વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોના ઘરનંબર એક જ છપાઈ જતાં વિવાદ સર્જાયો હોવાનું જણાયું
પ્રતીકાત્મક તસવીર
નાગપુરના હિંગણાના વાના ડોંગરી નગરપરિષદની મતદારયાદીમાં પ્રભાગ ક્રમાંક પાંચમાં એક જ ઘરમાં ૨૦૦ કરતાં વધુ મતદાર હોવાનું નોંધાઈ આવતાં હોબાળો મચી ગયો હતો. એથી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના દિનેશ ભંગે આ બાબતે અવાજ ઉઠાવ્યો હતો. જોકે તપાસ દરમ્યાન એ ઍડ્મિનિસ્ટ્રેટિવ ભૂલ હોવાનું જણાઈ આવ્યું હતું.
મતદારયાદીમાં એક જ ઘરના નંબર સાથે ૨૦૦થી વધુ લોકોનાં નામ સામેલ કરવામાં આવ્યાં હતાં. એ બધા ત્યાંના જ મતદારો હતા, પણ તેમના બધાનાં ઘર અલગ-અલગ હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે ટેક્નિકલ ભૂલને કારણે બધાના ઘરનો નંબર એક જ છપાઈ ગયો હતો. એને લીધે સમસ્યા સર્જાઈ હતી. ફક્ત ઍડ્મિનિસ્ટ્રેટિવ મિસ્ટેકને કારણે આ ગોટાળો થયો હોવાનું બહાર આવ્યું હતું.
ADVERTISEMENT
આ વિવાદ પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય સમીર મેઘેએ કહ્યું હતું કે ‘ચૂંટણીઓ આવી છે અને શરદ પવાર જૂથને પરાજય સામે દેખાઈ રહ્યો છે એટલે ફક્ત ફેક નેરેટિવ પ્રસરાવવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે. એ ૨૦૦ મતદાર એ જ મતદાર સંઘના છે, એક પણ નામ બહારનું નથી. બૂથ લેવલ ઑફિસરે ઘરનંબર ખોટો નાખ્યો હોવાથી આવી ચૂક થઈ હશે. અહીંના એક પરિવારના ૧૭ મતદાર છે જે ત્યાં જ રહે છે. એમાંનો એક પણ પાકિસ્તાની નથી. વિકાસના કામ પર તેમની પાસે બોલવા જેવું કંઈ જ નથી એથી તેઓ આવા આરોપ કરી રહ્યા છે.’

