નિર્ધાર મેળાવડામાં આદિત્ય ઠાકરેએ મતદારયાદીમાંની ત્રુટિઓ સ્ટેજ પર ગોઠવવામાં આવેલી મોટી સ્ક્રીન પર દર્શાવી હતી
આદિત્ય ઠાકરે
વરલીના ડોમમાં રવિવારે યોજાયેલા શિવસેના (UBT)ના નિર્ધાર મેળાવડામાં આદિત્ય ઠાકરેએ મતદારયાદીમાંની ત્રુટિઓ સ્ટેજ પર ગોઠવવામાં આવેલી મોટી સ્ક્રીન પર દર્શાવી હતી. એ માટે તે અહીંથી ત્યાં ફરી-ફરીને એ ત્રુટિઓ લોકોને દેખાડી રહ્યા હતા. તેમણે આમ કરીને મતચોરી થઈ રહી છે એવો આક્ષેપ કર્યો હતો. શિવસેના (UBT)એ કહ્યું છે કે જો ઇલેક્શન કમિશન સુધારા નહીં કરે તો ચૂંટણી થવા દેવી કે નહીં એ અમે નક્કી કરીશું. તેમની એ રજૂઆત પર હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટોણો મારતાં કહ્યું હતું કે ‘આદિત્ય ઠાકરેએ હું મહારાષ્ટ્રનો પપ્પુ છું એવું દર્શાવતું પ્રદર્શન કરવું ન જોઈએ. હું તેમને મહારાષ્ટ્રનો પપ્પુ નહીં કહું. રાહુલ ગાંધી મોટી સ્ક્રીન લગાડીને અહીંથી ત્યાં ફરે છે, પણ બને છે એવું કે ખોદા પહાડ, નિકલા ચૂહા. આદિત્ય ઠાકરેએ પણ આ જ કર્યું. તેમના સવાલના જવાબ ઑલરેડી ઇલેક્શન કમિશને આપ્યા છે. આદિત્ય ઠાકરે પાસેથી મારી એટલી જ અપેક્ષા છે કે તેઓ રાહુલ ગાંધી ન બને.’
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરેલી આ કમેન્ટ બાદ શિવસેના (UBT)ના નેતા અનિલ પરબે કહ્યું હતું કે ‘અમે સવાલ પૂછીએ છીએ ઇલેક્શન કમિશનને, જવાબ આપે છે ભારતીય જનતા પાર્ટી (BJP). ઇલેક્શન કમિશનના માલિક એટલે BJP. આદિત્યસાહેબે ગઈ કાલે મતદારયાદીમાં જે ખોટું હતું એ વિશે માહિતી આપી તો એમાં પપ્પુપણું ક્યાં આવ્યું? આનો જવાબ ઇલેક્શન કમિશને આપવો જોઈએ, જ્યારે એમના ઘરનોકર હોય એમ એ કામ BJP કરી રહી છે. BJP અમારા પર ટીકા કરે છે એનો અર્થ એ થયો કે કોઈ ગોટાળો થયો છે. ઇલેક્શન કમિશનને અમે સવાલ કરીએ છીએ તો એણે જવાબ આપવો જોઈએ. અમે એને સવાલ કરીએ છીએ, મુખ્ય પ્રધાનને અમે સવાલ કર્યો નથી તો તેઓ શું કામ જવાબ આપે છે? પહેલી તારીખે મોરચો છે. અમે આ બાબતે સવાલ ઊભો કર્યો છે. અમે જ નહીં, સામાન્ય જનતા પણ રસ્તા પર ઊતરવાની છે.’


