જોકે GRPના કર્મચારીઓની સતર્કતાથી તેને બચાવી લેવામાં આવ્યો
દાદર રેલવે-સ્ટેશન પર આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાનનું ગળું કપાયું હતું, ટ્રેનની સામે કૂદવાનો પ્રયાસ કરતા યુવાનને અટકાવતા પોલીસના જવાનો.
દાદર રેલવે-સ્ટેશન પર સોમવારે રાત્રે નશામાં રહેલી એક વ્યક્તિને તીક્ષ્ણ વસ્તુથી પોતાનું ગળું કાપવાનો પ્રયાસ કરતી જોઈને પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેણે પ્લૅટફૉર્મ પરથી પાટા પર કૂદવાનો પ્રયાસ કરીને ફરી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે તેને બચાવી લેવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી રેલવે-સ્ટેશન પર એક દુખદ અકસ્માત ટળી ગયો હતો.
દાદર GRPના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાત્રે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ પ્લૅટફૉર્મ-નંબર ૧૨ પર એક વ્યક્તિને તીક્ષ્ણ વસ્તુથી પોતાનું ગળું કાપવાનો પ્રયાસ કરતી જોઈને હાજર મુસાફરો ગભરાઈ ગયા હતા. ત્યારે મહિલા મુસાફરોએ બચાવો... બચાવો... જેવી બૂમો પાડતાં સ્ટેશન પર ફરજ પર હાજર કૉન્સ્ટેબલ સ્વપ્નિલ પોપારે અને હોમગાર્ડ રાહુલ યાદવે ત્યાં પહોંચીને ગળું કાપવાનો પ્રયાસ કરતી વ્યક્તિના હાથમાંની નાની છરી લઈ લીધી હતી. દરમ્યાન પ્લૅટફૉર્મ પર ટ્રેન આવતી જોઈને તે યુવાને પાટા પર કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અમારા બન્ને જવાનોએ તેને પકડી રાખ્યો હતો. પછી તેને સાયન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનો ઇલાજ થતાં તેનો જીવ બચી ગયો હતો. આત્મહત્યાની કોશિશ કરનાર વ્યક્તિ દારૂ અને બીજા નશામાં હોવાનો ખુલાસો ડૉક્ટરના રિપોર્ટમાં થયો છે. આત્મહત્યા કરનાર યુવાન પોતાનું નામ બોલવાની હાલતમાં ન હોવાથી તેનું નામ હજી જાણી શકાયું નથી. તેની હાલત સ્થિર થયા બાદ તેનું સ્ટેટમેન્ટ નોંધવામાં આવશે.’


