લગ્ન અને સામાજિક ઉત્સવોમાં મહિલાઓ માત્ર ત્રણ જ્વેલરી પહેરી શકશે : મંગળસૂત્ર, નથ અને બુટ્ટી
વધુ દાગીનાનો ઠઠારો કરનારને થશે ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ: બન્ને ગામના લોકોએ સર્વાનુમતિથી આ નિર્ણય લીધો હતો
ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાનાં કંદાડ અને ઇન્દ્રોલી નામનાં બે ગામોએ સામાજિક સુધાર માટેની અનોખી પહેલ હાથ ધરી છે. આ ગામના લોકોએ મહિલાઓના દાગીના પહેરવા બાબતે સખત કડક નિયમ બનાવ્યો છે. હવે અહીંની મહિલાઓ મંગળસૂત્ર, નથ અને બુટ્ટી જેવા માત્ર ત્રણ દાગીના પહેરી શકશે. આ નિયમનું ઉલ્લંઘન કરનારને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ થશે એવું ગામલોકોએ સર્વાનુમતિથી નક્કી કર્યું છે. આ નિયમનો ઉદ્દેશ છે સમાજમાં સાદગી અને સમાનતા ફેલાવવાનો તથા આર્થિક બોજ ઓછો કરવાનો.
ગામલોકોએ સામૂહિક બેઠકમાં આ નિર્ણય લીધો હતો. કેટલાક ગ્રામીણોનું કહેવું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં લગ્ન, સામાજિક મેળાવડા અને ઉત્સવોમાં ઘરેણાંનો દેખાડો બહુ વધી ગયો હતો. એનાથી સામાજિક સ્તરે દેખાદેખી અને આર્થિક અસમાનતાની ભાવના ફેલાઈ રહી હતી. કેટલાક પરિવારો પર લગ્ન માટેના ખર્ચાનો બોજ ખૂબ વધી રહ્યો હતો. આ સમસ્યાના નિવારણ માટે કંદાડ અને ઇન્દ્રોલી ગામના લોકોએ સાથે મળીને સખત અને સાર્થક પગલું લીધું હતું.
ADVERTISEMENT
ગામલોકોનું કહેવું છે કે આ નિર્ણયથી ગરીબ પરિવારોને રાહત મળશે અને તેમને પણ સમાજમાં બરાબરીની ભાવના અનુભવાશે. હવે લગ્ન અને મેળાવડાઓમાં દેખાડાને બદલે સરળતા અને પરંપરાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.


