તમે મત આપવામાં કટ મારશો તો હું ફન્ડ આપવામાં કટ મારીશ એવો બફાટ કર્યા પછી અજિત પવાર કહે છે...
અજીત પવાર
આખાબોલા અને સ્પષ્ટ વક્તવ્ય કરવા માટે જાણીતા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના વડા અને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે શનિવારે સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓને લઈને આયોજિત કરાયેલી એક પ્રચારસભામાં લોકોને સંબોધતાં કહ્યું હતું કે તમે જો મત આપવામાં કટ મારશો તો હું ફન્ડ આપવામાં કટ મારીશ. તેમના આ સ્ટેટમેન્ટ બાદ હોબાળો મચી ગયો હતો અને વિરોધ પક્ષો તેમના પર તૂટી પડ્યા હતા. ત્યારે સ્પષ્ટતા કરતાં અજિત પવારે કહ્યું હતું કે ચૂંટણી વખતે આવું બધું બોલવું પડતું હોય છે.
પુણેના બારામતી તાલુકામાં માલેગાવમાં એક પ્રચારસભાને સંબોધતાં અજિત પવારે કહ્યું હતું કે ‘તમે અમારા અઢારેઅઢાર ઉમેદવારોને ચૂંટી આપો, હું તમે કહેશો એ તમારાં કામ કરી આપીશ. તમે જો ત્યાં કટ મારશો તો હું પણ કટ મારીશ. તમારા હાથમાં મત છે તો મારા હાથમાં નિધિ આપવાનું કામ છે. એથી જુઓ શું કરવું છે.’
ADVERTISEMENT
અજિત પવારે કરેલા એ સ્ટેટમેન્ટ બાદ કૉન્ગ્રેસના નેતા નાના પટોળેએ અજિત પવાર સિહત ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટીકા કરતાં કહ્યું હતું કે ‘બંધારણે તમને રાજ્યની તિજોરી લૂંટવાનો અધિકાર આપ્યો છે? વિકાસના નામે મત માગો, ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન આપો. તમે જનતાના નોકર છો. પાંચ વર્ષ માટે સત્તા તમારા હાથમાં છે એટલે માલિકની જેમ વર્તો નહીં. મહારાષ્ટ્રની જનતા તમારો ઘમંડ દૂર કરશે. અર્થપ્રધાન છો તો શું થઈ ગયું, રાજ્યની તિજોરી લૂંટી શકો એવા અધિકાર બંધારણે તમને આપ્યા નથી. જો મત માગવા જ હોય તો વિકાસના નામે માગો, પણ વિકાસમાંય ભ્રષ્ટાચારનો સાથ વધુ છે. વિકાસ તો નામમાત્રનો જ થાય છે.’
અજિત પવારે બિહારનું ઉદાહરણ આપીને કરી ચોખવટ
અજિત પવારના વિધાન પર વિરોધીઓએ પસ્તાળ પાડીને ઇલેક્શન કમિશને તેમના પર ઍક્શન લેવી જોઈએ એવી માગણી કરી ત્યારે અજિત પવારે તેમના એ સ્ટેટમેન્ટ બાબતે ચોખવટ કરતાં કહ્યું હતું કે ‘બિહારની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દલના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે જો અમને ચૂંટી કાઢશો તો તમને વધારેમાં વધારે નિધિ આપીશું. એટલે ચૂંટણી વખતે આવું બોલવું પડતું હોય છે.’
શિવસેના (UBT)ના મુખપત્ર ‘સામના’માં શનિવારે એમ કહેવામાં આવ્યું હતું કે ‘BJPએ હવે એકનાથ શિંદેને તેમની જગ્યા બતાવી દેવા ‘ઑપરેશન લોટસ’ ચાલુ કર્યું છે. એ સ્પષ્ટ થઈ ગયું છે કે શિવસેનાના ૩૫ વિધાનસભ્યો પક્ષ છોડીને BJPમાં જોડાશે. એકનાથ શિંદેએ જે વાવ્યું છે એ હવે ઊગી નીકળ્યું છે. BJPને એ પછી એકનાથ શિંદેની જરૂર રહેતી નથી.’


