નોંધનીય છે કે ૧૯૪૭ના ભારત-પાકિસ્તાનના ભાગલા પછી સિંધ પાકિસ્તાનનો ભાગ બન્યું છે
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનનું નામ લીધા વિના હાલના પાકિસ્તાનના સિંધ પ્રાંત અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. દિલ્હીમાં આયોજિત સિંધી પરિષદને સંબોધિત કરતી વખતે રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ‘આજે સિંધનો પ્રદેશ ભારતની રાજકીય સીમાઓમાં સમાવિષ્ટ નથી, પરંતુ સભ્યતા અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી સિંધ હંમેશાં ભારતનો અભિન્ન ભાગ માનવામાં આવે છે. સિંધ આજે ભારતનો ભાગ નથી, એ સભ્યતા અનુસાર હંમેશાં ભારતનો ભાગ રહેશે. જ્યાં સુધી જમીનનો સંબંધ છે, સીમાઓ ગમે ત્યારે બદલાઈ શકે છે. કોણ જાણે કાલે સિંધ ભારતમાં પાછું આવી શકે છે. સિંધમાં આપણા લોકો, જે સિંધુ નદીને પવિત્ર માને છે, તેઓ હંમેશાં આપણા પોતાના રહેશે.’
વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો ઉલ્લેખ કરતાં રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘અડવાણીજીએ તેમના એક પુસ્તકમાં લખ્યું છે કે સિંધી હિન્દુઓ, ખાસ કરીને તેમની પેઢીના લોકો, હજી પણ સિંધને ભારતથી અલગ માનતા નથી. અડવાણીજીએ ટાંક્યું છે કે સિંધના ઘણા મુસ્લિમો પણ માનતા હતા કે સિંધુ નદીનું પાણી મક્કાના ઝમઝમના પાણી કરતાં ઓછું પવિત્ર નથી.’
ADVERTISEMENT
નોંધનીય છે કે ૧૯૪૭ના ભારત-પાકિસ્તાનના ભાગલા પછી સિંધ પાકિસ્તાનનો ભાગ બન્યું છે. હાલમાં એ પાકિસ્તાનનો ત્રીજો સૌથી મોટો પ્રાંત છે જેની રાજધાની કરાચી છે. આ ક્ષેત્રમાં ઉર્દૂ, સિંધી અને અંગ્રેજી મુખ્ય ભાષાઓ બોલાય છે.


