સફાઈ-કર્મચારીને ૧૦ લાખ રૂપિયા સાથેની બૅગ મળી તો મૂળ માલિકને શોધીને પાછી આપી
અંજુ માને
પુણેના સદાશિવ પેઠ વિસ્તારમાં એક સફાઈ-કર્મચારીએ પ્રામાણિકતાનું સુંદર ઉદાહરણ રજૂ કરીને લોકોની પ્રશંસા મેળવી હતી. ૨૦ નવેમ્બરે અંજુ માને સવારે ૭ વાગ્યાથી પોતાનું નિયમિત કાર્ય કરી રહી હતી. એ દરમ્યાન તેની નજર રસ્તાની બાજુમાં પડેલી એક બૅગ પર ગઈ. અંજુ પહેલાં એ બૅગને ફેંકવા જઈ રહી હતી, પણ પછી તેને ખ્યાલ આવ્યો કે બૅગમાં દવાઓ ઉપરાંત રોકડા પૈસા પણ છે. એ જોઈને આ બૅગને એના મૂળ માલિક સુધી પાછી પહોંચાડવાનો તેણે નિર્ધાર કર્યો અને આસપાસના વિસ્તારમાં સંપર્ક શરૂ કર્યો. એ દરમ્યાન અંજુની નજર એક વ્યક્તિ પર પડી જે હાંફળીફાંફળી થઈને કશુંક શોધી રહી હતી. બૅગ તે વ્યક્તિની જ હતી અને એમાં ૧૦ લાખ રૂપિયા રોકડા હતા. આસપાસના રહેવાસીઓ સાથે ખાતરી કરીને અંજુએ તે વ્યક્તિને શાંત પાડી અને તેની બૅગ પાછી આપી. ગદ્ગદ થઈ ગયેલી તે વ્યક્તિએ અંજુ માનેનો આભાર માન્યો હતો. તેને ભેટમાં સાડી અને થોડી રોકડ પણ આપી હતી.


