અજિત પવારે રવિવારે પિંપરી- ચિંચવડ મહાનગરપાલિકા માટે NCP (SP) સાથે યુતિની જાહેરાત કરી હતી
અજિત પવાર અને શરદ પવાર
પુણે મહાનગરપાલિકાની ચૂંટણીઓ લડવા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને NCP (SP-શરદ પવાર) વચ્ચે યુતિ થઈ હોવાની ગઈ કાલે NCP (SP)ના નેતા રોહિત પવારે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટીના કાર્યકરોની ઇચ્છા હતી કે બન્ને ફિરકા એકસાથે મળીને ચૂંટણી લડે. રોહિત પવારે કહ્યું હતું કે ‘અમારી પાર્ટીના પુણેના અધ્યક્ષ પ્રશાંત જગતાપે પાર્ટી છોડ્યા પછી ઘણા કાર્યકરો પાર્ટીનાં વર્કિંગ પ્રેસિડન્ટ સુપ્રિયા સુળેને મળ્યા હતા અને બન્ને ફિરકા સાથે મળીને લડે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. એથી પાર્ટીના સ્થાનિક કાર્યકરોની લાગણીને માન આપીને નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ બન્ને પાર્ટી સાથે મળીને જો ચૂંટણી લડશે તો એ બન્ને માટે સારું જ રહેશે.’ આ નિર્ણય લેતી વખતે શરદ પવાર પોતે હાજર નહોતા, પણ તેમણે કહ્યું કે પાર્ટીના કાર્યકરો મહત્ત્વના છે અને સુધરાઈની ચૂંટણીમાં તેમનું મંતવ્ય મહત્ત્વનું હોય છે.
અજિત પવારે રવિવારે પિંપરી- ચિંચવડ મહાનગરપાલિકા માટે NCP (SP) સાથે યુતિની જાહેરાત કરી હતી. એના બીજા જ દિવસે ગઈ કાલે પુણેમાં યુતિની જાહેરાત કરવામાં આવતાં બન્ને પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો.


