ભાવુક થઈને બે ઉમેદવારો માતોશ્રીની બહાર પોતાના ફોટો લઈને બેઠેલા જોવા મળ્યા હતા
બે ઉમેદવારો માતોશ્રીની બહાર પોતાના ફોટો લઈને બેઠેલા જોવા મળ્યા
રાજ્યમાં મ્યુનિસિપલ ઇલેક્શન્સ માટે ઉમેદવારી ભરવાનો આજે છેલ્લો દિવસ છે એટલે ગઈ કાલે મોટા ભાગની બેઠકો પર પૉલિટિકલ પાર્ટીઓએ ઉમેદવારો નક્કી કરી લીધા હતા. આ દરમ્યાન ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના કેટલાક કાર્યકરો ઉમેદવારીની માગણી સાથે માતોશ્રીની બહાર પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. નારાજ ઉમેદવારો ઉદ્ધવ ઠાકરે પાસેથી ન્યાયની માગણી કરી રહ્યા હતા. ભાવુક થઈને બે ઉમેદવારો માતોશ્રીની બહાર પોતાના ફોટો લઈને બેઠેલા જોવા મળ્યા હતા. તેમણે હાથ જોડીને ઉદ્ધવ ઠાકરે પાસેથી ઉમેદવારીની માગણી કરી હતી.
ગઈ કાલે એક દિવસમાં ૩૫૭ ઉમેદવારોએ નૉમિનેશન ફૉર્મ ભર્યું, આજે છેલ્લો દિવસ
ADVERTISEMENT
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ઇલેક્શન માટે ગઈ કાલે ૧૨૨૫ ફૉર્મનું વિતરણ થયું હતું. જોકે ગઈ કાલે એક જ દિવસમાં ૩૫૭ ઉમેદવારોએ નૉમિનેશન ફૉર્મ દાખલ કર્યાં હતાં. ૨૩ ડિસેમ્બરથી શરૂ થયેલી ઉમેદવારી દાખલ કરવાની પ્રક્રિયા આજે સાંજે પાંચ વાગ્યે પૂરી થઈ જશે. અત્યાર સુધીમાં ઉમેદવારી માટેનાં ૧૧,૫૬૮ ફૉર્મનું વિતરણ થયું છે અને કુલ ૪૦૧ ઉમેદવારોનાં નૉમિનેશન ફૉર્મ દાખલ થયાં છે.
ભિવંડી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં BJP-શિવસેના સાથે લડવા ઊતરી
ભિવંડી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના વચ્ચે આખરે યુતિ જાહેર થઈ છે. અહેવાલો પ્રમાણે BJP અને શિવસેના વચ્ચે ગઠબંધન માટે ફૉર્મ્યુલા નક્કી થઈ ગઈ છે અને કૉર્પોરેશનની ૯૦ બેઠકોમાં અત્યારે ૫૦ બેઠકો માટે મહાયુતિમાં નિર્ણય લેવાઈ ગયા હોવાના અહેવાલ છે. જોકે બાકીની બેઠકો માટે હજી સ્પષ્ટતા થઈ નથી. અત્યારની ફૉર્મ્યુલા પ્રમાણે BJP ૩૦ સીટો પર અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના ૨૦ બેઠકો પર ચૂંટણી લડશે. ભિવંડીમાં BJPના વિધાનસભ્ય મહેશ ચૌગુલેના દીકરા મીત ચૌગુલે મહાયુતિ તરફથી પહેલી વાર ચૂંટણીના મેદાનમાં ઊતરે એવી શક્યતા છે.
ઇલેક્શન-સ્ટાફ ડ્યુટી માટે તૈયાર

મુંબઈમાં ચૂંટણીનો અસ્સલ માહોલ જામ્યો છે. એક બાજુ ઉમેદવારો નોંધાવવાની સાથે ઝૂંટવવાની તજવીજ ચાલે છે તો બીજી બાજુ ચૂંટણીના દિવસે કોઈ કચાશ ન રહે એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પણ તડામાર તૈયારી કરી રહી છે. લોઅર પરેલના એન. એમ. જોશી માર્ગ પર આવેલી BMC સ્કૂલમાં ગઈ કાલે ઇલેક્શન સ્ટાફને ખાસ ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)ના સંચાલન બાબતે સ્ટાફને માહિતગાર કરવામાં આવ્યો હતો. તસવીર: શાદાબ ખાન
કૉન્ગ્રેસે BMCની ચૂંટણી માટે વંચિત બહુજન આઘાડી સાથે યુતિ કરી લીધી
મહા વિકાસ આઘાડીના સાથી-પક્ષ કૉન્ગ્રેસે પહેલાં BMCની ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ધાર કર્યો હતો, પણ ગઈ કાલે એણે પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી (VBA) સાથે યુતિ કરી લીધી હતી. એ ઉપરાંત કૉન્ગ્રેસે એના બે સાથી-પક્ષ રાષ્ટ્રીય સમાજ પક્ષને ૧૦ બેઠકો અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (ગવઈ-ફિરકા)ને બે બેઠકો ફાળવી છે. કૉન્ગ્રેસનાં મુંબઈનાં પ્રેસિડેન્ટ વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે લોકશાહી અને બંધારણને બચાવવા માટે બન્ને પક્ષો ચૂંટણી સાથે લડી રહ્યા છે.
૧૧,૦૦૦થી વધુ પૉલિટિકલ હોર્ડિંગ્સ વેરહાઉસમાં ડમ્પ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આચારસંહિતાના પગલે BMCના કામદારોએ ૧૧,૦૦૦થી વધુ પૉલિટિકલ હોર્ડિંગ્સ ઉતારી લીધાં છે. રસ્તાઓ અને બિલ્ડિંગ્સ પરથી ઉતારી લીધેલાં હોર્ડિંગ્સને બોરીવલી લિન્ક રોડના વેરહાઉસમાં ડમ્પ કરવામાં આવ્યાં હતાં. તસવીર: નિમેશ દવે
વિદેશમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરતી કંપનીનો પર્દાફાશ
નવી મુંબઈ પોલીસે એક ગેરકાયદેસર રિક્રૂટમેન્ટ એજન્સીનો પર્દાફાશ કર્યો છે. વિદેશની આકર્ષક નોકરીઓનું વચન આપીને કંપની લોકોને છેતરતી હતી. નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને વાશી પોલીસે શનિવારે ગુડવિલ ગ્લોબલ કન્સલ્ટન્સીની ઑફિસ પર દરોડા પાડ્યા હતા. એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રીની પરવાનગી વિના આ કંપની કાર્યરત હતી. એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રીના અસિસ્ટન્ટ સેક્શન ઑફિસરની ફરિયાદના આધારે સાત વ્યક્તિઓ સામે છેતરપિંડીના ગુના હેઠળ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે.
હાઈ કોર્ટની ઝાટકણી બાદ બાંધકામની સાઇટ્સ પર ચેકિંગ કડક થયું

બાંદરા-ઈસ્ટમાં બની રહેલા બૉમ્બે હાઈ કોર્ટના બિલ્ડિંગ અને બુલેટ ટ્રેનની કન્સ્ટ્રક્શન સાઇટ્સને છેલ્લા એક મહિનાથી પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ ફટકાર્યા બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ રવિવારે K ઈસ્ટ વૉર્ડ-અંધેરી અને H-ઈસ્ટ વૉર્ડ, બાંદરા-ઈસ્ટમાં સાઇટ-વિઝિટ કરી હતી. સાઇટ-વિઝિટ ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (ઈસ્ટર્ન સબર્બ) ડૉ. અવિનાશ ઢાકણે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ખેરવાડી જંકશન પર સર્વિસ રોડનું પણ નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં સ્વચ્છતા, ડસ્ટ કન્ટ્રોલ અને ટ્રાફિક વ્યવસ્થાપનની સમીક્ષા કરી હતી.
અંધેરીમાં ચાર બંગલામાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગ, સબ સલામત
અંધેરી-વેસ્ટમાં આવેલા ૨૮ માળના હાઇરાઇઝ બિલ્ડિંગના એક ફ્લૅટમાં આગ લાગતાં ફ્લૅટના ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇન્સ્ટૉલેશન બળી ગયાં હતાં. આગ વધુ ન ફેલાતાં રહેવાસીઓ સલામત હતા અને જાનહાનિ નોંધાઈ નહોતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીએ આપેલી માહિતી મુજબ ચાર બંગલા વિસ્તારમાં અદાણી વેસ્ટર્ન હાઇટ્સમાં રવિવારે મોડી રાતે ૧૧ વાગ્યે આગ લાગી હતી. સાતમા માળે લાગેલી આગ અડધા કલાકમાં કાબૂમાં લેવામાં આવી હતી. આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી એમ તેમણે જણાવ્યું હતું.


