Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગરીબનગરમાં જે ૧૦૦ ઘરોને નહોતાં તોડવાનાં એ પણ હવે જોખમી બની ગયાં

ગરીબનગરમાં જે ૧૦૦ ઘરોને નહોતાં તોડવાનાં એ પણ હવે જોખમી બની ગયાં

Published : 23 May, 2026 11:56 AM | IST | Mumbai
Ritika Gondhalekar | feedbackgmd@mid-day.com

ડિમોલિશનની કાર્યવાહી દરમ્યાન આ મકાનોને પણ નુકસાન થયું, એમાં રહેતા લોકો હવે રસ્તા પર

બાંદરા-ઈસ્ટના ગરીબનગરમાં ખુલ્લી જગ્યામાં પોતાની ઘરવખરી સાથે સૂતેલા લોકો

બાંદરા-ઈસ્ટના ગરીબનગરમાં ખુલ્લી જગ્યામાં પોતાની ઘરવખરી સાથે સૂતેલા લોકો


બાંદરા-ઈસ્ટના ગરીબનગરમાં જે ૧૦૦ ઘરોને હાઈ કોર્ટના આદેશ હેઠળ તોડી પાડવાનાં નહોતાં એમાંના લોકોને પણ રસ્તા પર વસવાટ કરવાની ફરજ પડી છે, કારણ કે તેમનાં ઘરોની ઉપરના અને આજુબાજુના સ્ટ્રક્ચરને પણ ડિમોલિશન દરમ્યાન ભારે નુકસાન થયું હતું.

આ રહેવાસીઓનો આરોપ છે કે અધિકારીઓએ કોર્ટના નિર્દેશનું પાલન કરીને તેમનાં ઘરોને સીધાં તોડી પાડવાનું ટાળ્યું હતું, પણ તેમની નજીકના અને ઉપરના સ્ટ્રક્ચરના ભાગોને તોડી પાડવાથી તેમની મિલકતોને ગંભીર માળખાકીય નુકસાન થયું હતું. ઇન્ડિયા બુલ્સમાં ડ્રાઇવર તરીકે કામ કરતા અફઝલ શેખે જણાવ્યું હતું કે તૂટેલી દીવાલો, તૂટી ગયેલી છત, ખુલ્લા પાયા અને નબળા પિલર્સને કારણે અમારાં ઘરો રહેવા માટે જોખમી બન્યાં છે.



અન્ય એક પાત્ર રહેવાસી જીલાની શેખ અલાઉદ્દીને કહ્યું હતું કે ‘અમને કહેવામાં આવ્યું હતું કે અમારાં ઘરોને ટચ નહીં કરાય, કારણ કે અમે એલિજિબલ છીએ અને કોર્ટના આદેશથી સુરક્ષિત છીએ. તેમણે અમારાં બાંધકામો પર લાલ ઝંડા પણ લગાવ્યા હતા જેથી અમારી ઓળખ થઈ શકે, પરંતુ હવે અમારાં ઘરો એટલી ખરાબ રીતે નુકસાન પામ્યાં છે કે અમે એમાં રહી શકીએ એમ નથી.’


રહેવાસીઓના મતે તોડી પાડવાનું કામ ભારે મશીનરીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું જેને લીધે વાઇબ્રેશનને કારણે અને અન્ય ઘરોનો કાટમાળ તેમનાં ઘરોને અસર કરી રહ્યો હતો. ફરદીના શેખે કહ્યું હતું કે ‘શરૂઆતમાં તેઓ ઉપરનાં બાંધકામો જાતે જ તોડી રહ્યા હતા, પરંતુ થોડી વાર પછી તેમણે મશીનોનો ઉપયોગ શરૂ કર્યો એટલે અમારાં ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે. અમારાં ઘરો રહેવાયોગ્ય ન હોવાથી હવે અમે વૈકલ્પિક રહેઠાણ વિના રસ્તા પર રહીએ છીએ.’

અસરગ્રસ્ત પરિવારોએ નિરાશા વ્યક્ત કરી છે કે કાયદેસર રીતે મકાન ખાલી કરાવવા અને તોડી પાડવા સામે રક્ષણ હોવા છતાં તેમણે પોતાનાં ઘર ગુમાવ્યા છે. ઘણા રહેવાસીઓ હવે અધિકારીઓ તેમનું પુનર્વસન ક્યાં કરે છે એ સાંભળવાની આશામાં રસ્તા પર રહે છે.


વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકે જણાવ્યું હતું કે ‘કોર્ટના આદેશ મુજબ આ ૧૦૦ પરિવારોને વૈકલ્પિક રહેઠાણ મળે એની ખાતરી કરવામાં આવશે. અમે આ સુવિધા પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 11:56 AM IST | Mumbai | Ritika Gondhalekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK