કિરીટ સોમૈયાએ પોલીસ-કમિશનરને વ્યાપક કાર્યવાહીની માગણી કર્યા બાદ
વિક્રોલી પોલીસે ગઈ કાલે ૧૩ ગેરકાયદે બંગલાદેશી ફેરિયાઓની ધરપકડ કરી હતી.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ વિક્રોલી અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બંગલાદેશી ફેરિયાઓ ખુલ્લેઆમ સ્ટૉલ ઊભા કરવાની સાથે હાથગાડી અને સાઇકલમાં નારિયેળ સહિતની વસ્તુઓ વેચી રહ્યા હોવાથી તેમની સામે વ્યાપક કાર્યવાહી કરવાની માગણી મુંબઈના પોલીસ-કમિશનર વિવેક ફણસળકરને ગઈ કાલે પત્ર લખીને કરી હતી.
પોલીસ-કમિશનરે ફરિયાદ કરવામાં આવ્યાના ગણતરીના કલાકમાં ગઈ કાલે વિક્રોલી પોલીસે ગેરકાયદે બંગલાદેશી ફેરિયાઓ સામે કાર્યવાહી કરીને આવા ૧૩ ફેરિયાની ધરપકડ કરી હતી. આ ફેરિયાઓ પાસેના આધાર કાર્ડમાં ચોંકાવનારી વાત જાણવા મળી હતી. તમામના આધાર કાર્ડમાં તેમના જન્મદિવસ અલગ-અલગ વર્ષની ૧ જાન્યુઆરીએ થયો હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસે અયુબ શેખ, મનોરુલ શેખ, સાયમ શેખ, નઇમ શેખ, સામૂન શેખ, રફીકુલ શેખ, જહાંગીર શેખ, નસીમા બીબી, મૈનુદ્દીન શેખ, બરીઉલ શેખ, હલિમ શેખ અને કાસુદ શેખ નામના ફેરિયાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

