Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મરાઠીનો મામલો બેલગામ

મરાઠીનો મામલો બેલગામ

Published : 08 July, 2025 07:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BJPના સંસદસભ્ય નિશિકાંત દુબેનો રાજ ઠાકરેને પડકાર : મહારાષ્ટ્રની બહાર આવો, પટકી-પટકીને મારીશું, નિશિકાંત દુબેને ઉદ્ધવસેનાના નેતા વસંત મોરેએ આપી ચીમકી : આ બામ્બુ બરાબર તમારી સાઇઝનો છે

નિશિકાંત દુબે, વસંત મોરે, આશિષ શેલાર

નિશિકાંત દુબે, વસંત મોરે, આશિષ શેલાર


ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઝારખંડના સંસદસભ્ય નિશિકાંત દુબેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેના વિવાદાસ્પદ નિવેદન ‘તેમને મારજો, પણ વિડિયો ન બનાવો’ પર આકરા પ્રહારો કર્યા છે. નિશિકાંત દુબેએ કહ્યું હતું કે ‘રાજ ઠાકરે અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ-UBT) મુંબઈ સુધરાઈની ચૂંટણીને કારણે હલકા પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે. તમે અમારા પૈસા પર નભો છો. જો હિંમત હોય તો બિહાર, ઉત્તર પ્રદેશ કે તામિલનાડુ જાઓ, ત્યાં અમે તમને પટકી પટકીને મારીશું.’


રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે સાથે યોજેલા વિજય મેળાવડામાં હિન્દીભાષીઓ પર ટીકા કરી હતી અને કહ્યું હતું કે મરાઠી ન બોલનારા લોકોને તમે મારો પણ એનો વિડિયો બનાવશો નહીં. આ સંદર્ભમાં નિશિકાંત દુબેએ આસામના ગુવાહાટીમાં બોલતાં કઠોર ભાષામાં પ્રત્યુત્તર આપ્યો છે અને રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની આકરી ટીકા કરી છે.



મરાઠી બોલવું જ પડશે એટલે શું? મહારાષ્ટ્રમાં તાતા, બિરલા, અંબાણી છે. તમે કોની રોટી ખાઈ રહ્યા છો? તમારી પાસે કયા ઉદ્યોગ-ધંધા છે? તમે ટૅક્સ ભરો છો? અમારી પાસે ખાણો છે. ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ખાણો છે, તમારી પાસે (મહારાષ્ટ્રમાં) કઈ ખાણો છે?


રિલાયન્સ અને એસ્સારની રિફાઇનરી ગુજરાતમાં છે, તાતાએ પહેલો પ્લાન્ટ બિહારમાં નાખ્યો હતો, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં ઊભી થઈ રહી છે. તમે અમારું શોષણ કરો છો. તમે હિન્દીભાષીઓને મારો છો. જો હિંમત હોય તો હિન્દી બોલનારાઓને મારવા છે તો ઉર્દૂ, તામિલ અને તેલુગુ બોલનારાઓને પણ મારો.

આ અરાજકતા નહીં ચાલે. તમારામાં એટલી તાકાત હોય અને પોતાને મોટા બૉસ સમજતા હો તો મહારાષ્ટ્રની બહાર આવો. બિહાર, ઉત્તર પ્રદેશ, તામિલનાડુમાં આવો, તમને પટકી પટકીને મારીશું.


અમે મરાઠી ભાષાનું સન્માન કરીએ છીએ. મરાઠી આદરણીય ભાષા છે. અમે મહારાષ્ટ્રના સ્વતંત્રતાસેનાનીઓનો આદર કરીએ છીએ. છત્રપતિ શિવાજી મહારાજ, શાહૂ મહારાજ, પેશવા, તાત્યા ટોપે સહિત તમામનું અમે સન્માન કરીએ છીએ. સ્વતંત્રતાસંગ્રામમાં તિલક અને ગોખલેનું તેમ જ મહારાષ્ટ્રનું મોટું યોગદાન છે.

પણ હવે વોટ બૅન્કનું રાજકારણ છે. મુંબઈ સુધરાઈની ચૂંટણીને નજરમાં રાખીને રાજ અને ઉદ્ધવ ઠાકરે આવા હલકા પ્રકારના રાજકારણ પર ઊતરી આવ્યા છે. આ અત્યંત હીન રાજકારણ છે. અમે એનો વિરોધ કરીએ છીએ.

જો તમારામાં ખરેખરી હિંમત હોય તો મુંબઈમાં જ માહિમ દરગાહની આસપાસના વિસ્તારમાં જાઓ અને ત્યાં હિન્દી કે ઉર્દૂ બોલનારા લોકોને મારીને બતાવો. જો તમે આમ કરશો તો તમે ખરેખર બાળાસાહેબ ઠાકરેના વારસદારો છો અને બાળાસાહેબ ઠાકરેના વિચારો પર ચાલો છો એવું હું માન્ય કરીશ.

નિશિકાંત દુબેને ઉદ્ધવસેનાના નેતા વસંત મોરેએ આપી ચીમકી : આ બામ્બુ બરાબર તમારી સાઇઝનો છે 

નિશિકાંત દુબેનાં નિવેદનો સામે ટીવી-ચૅનલના પત્રકારના કૅમેરા સામે બોલતાં ઉદ્વવ ઠાકરેની શિવસેનાના વસંત મોરેએ કહ્યું હતું કે ‘પાંચમી જુલાઈના વિજય મેળાવડા પછી ઘણા વાચાળવીરો મંડી પડ્યા છે. જો તેઓ પટકવાની વાત કરશે તો અમે ફોડી નાખીશું. આ પ્રાંતવાદનો વિવાદ ઊભો કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે. નિશિકાંત દુબે ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય છે. સંસસદસભ્ય થઈને તેઓ જો લોકોને ભડકાવવાની વાત કરતા હોય તો મને લાગે છે કે એ ખોટું છે. જો ૨૦થી લઈને ૨૦ લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરતી વ્યક્તિ જો આવું બેજવાબદારીભર્યું વક્તવ્ય કરે કે અમે પટકી-પટકીને મારીશું, ઘરમાં ઘૂસીને મારીશું તો એ ખોટું છે. અમારા પણ લોકસભામાં ૧૦ સંસદસભ્ય છે, ત્યાં બોલોને, ત્યાં બોલશો તો ખબર પડશે.’

જ્યારે પત્રકારે એમ કહ્યું કે તમે લોકો ટૅક્સ ભરતા નથી એવું તેમનું કહેવું છે. ત્યારે એના જવાબમાં વસંત મોરેએ કહ્યું હતું કે ‘તમે શું કામ તમારા રાજ્ય છોડીને અહીં આવો છો? મરાઠી માણૂસ કાયમ સ્વાભિમાની રહ્યો છે. બે મરાઠી માણસો એકસાથે આવ્યા એથી આ બધું થઈ રહ્યું છે. મને લાગે છે કે આવા વિષયોને લીધે મરાઠી માણસની એકતા વધુ મજબૂત થશે. હજી તો યુતિની ચર્ચા પણ શરૂ થઈ નથી. ફક્ત ‘મરાઠી ભાષા’ના મુદ્દે જ ઠાકરેબંધુઓ સાથે આવ્યા છે. ઠાકરે-બ્રૅન્ડનો લોકોને આટલો ત્રાસ થશે એવું તો અમે સપનેય ધાર્યું નહોતું. વિજય મેળાવડામાં જે માનવમહેરામણ આવ્યો એ તેમને ખૂંચે છે. કેડિયાએ એક ઝલક જોઈ લીધી, હવે દુબેજીને બીજી ઝલક જોવી છે. તેઓ આવે, અમે બામ્બુ લઈને તૈયાર છીએ, બરોબર તેમના માપનો જ છે.’

આશિષ શેલાર ભડક્યા પોતાની જ પાર્ટીના નિશિકાંત દુબે પર : મરાઠી માણસનું અપમાન સાંખી નહીં લેવાય

ઝારખંડના સંસદસભ્ય નિશિકાંત દુબેએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠી અને નૉન-મરાઠીના વિવાદમાં ઝુકાવીને કરેલી કમેન્ટને લઈને મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રધાન આશિષ શેલારે ગઈ કાલે વિધાનસભામાં સ્પષ્ટ કહ્યું હતું કે મહાયુતિની સરકાર મરાઠી માણસના અપમાનને સાંખી નહીં લે એટલું જ નહીં, મરાઠી માણસની ક્ષમતા બદલ પણ કોઈ સવાલ ઊઠવા ન જોઈએ. તેમણે નિશિકાંત દુબેએ કરેલી કમેન્ટ કે મહારાષ્ટ્ર ક્યાં ટૅક્સ આપે જ છે એનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘મરાઠી માણસનું દેશની GDPમાં કેટલું યોગદાન છે અને ફિલ્મો સહિત બીજી કઈ રીતે એ યોગદાન આપે છે એ બહુ જાણીતું છે. મરાઠીઓનો ​ઇતિહાસ અને વારસો ગૌરવશાળી છે. હું અમારું સ્ટૅન્ડ ક્લિયર કરવા માગું છું. ઝારખંડના સંસદસભ્યનું વ્યક્તવ્ય કાયદા પ્રમાણે લોકોનો અવાજ કહેવાતો હશે, પણ મરાઠીઓની કૅપેબિલિટી પર સવાલ કરવાની કાંઈ જરૂર નથી. મરાઠીઓ દેશની GDPમાં જે યોગદાન આપે છે એની બધાને ખબર છે. મરાઠી માણસે જ દેશની પહેલી ફિલ્મ બનાવી હતી. એટલું જ નહીં, દેશનું પહેલું નૌકાદળ પણ એણે જ બનાવ્યું હતું. જો સંસદસભ્યને એની જાણ ન હોય તો અમે એની વિગતો તેમને મોકલાવીશું. મરાઠી માણસ કોઈ બીજાના પૈસા પર જીવતો નથી. રાજ્ય સરકાર રાજ્યના મરાઠી કે નૉન-મરાઠી કોઈ સાથે અન્યાય નહીં કરે.’

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2025 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK