સાઉથ મુંબઈના ગોવાલિયા ટૅન્કના કબૂતરખાનાને ગઈ કાલે સાંજે ગ્રીન કપડાથી ઢાંકી દેવામાં આવ્યું : મુંબઈનાં અનેક કબૂતરખાનાં પાસે ચણ વેચતા ફેરિયાઓને મહાનગરપાલિકા અને પોલીસે ધંધો બંધ કરવા કહ્યું, નહીંતર કાયદાકીય ઍક્શન લેવામાં આવશે એવી ધમકી આપવામાં આવી
સાઉથ મુંબઈના ગ્રાન્ટ રોડના એક કબૂતરખાનાને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ ગઈ કાલે ગ્રીન કપડાથી ઢાંકી દીધું હતું.
મહારાષ્ટ્ર સરકારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને મુંબઈમાં કબૂતરખાનાં બંધ કરવાનો આદેશ આપ્યો એના થોડાક કલાકો બાદ દાદરના કબૂતરખાના સામે કાર્યવાહી થઈ હતી અને ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસે આવેલી જનરલ પોસ્ટ ઑફિસ (GPO)ની બહાર, ગોવાલિયા ટૅન્ક, મુંબઈ સેન્ટ્રલ પાસેની નવજીવન સોસાયટી અને અન્ય વિસ્તારોમાં કબૂતરખાનાંને બંધ કરાવવા માટે BMC, પોલીસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરો ઍક્શનમાં આવી ગયા હતા. ગઈ કાલે તેમણે કબૂતરખાનાંની આસપાસ કબૂતર માટેના ચણા અને ચણ વેચતા ફેરિયાઓને તાત્કાલિક તેમનો ધંધો બંધ કરવાની ધમકી આપી હતી તેમ જ MNSના કાર્યકરોએ ગોવાલિયા ટૅન્ક પાસેના કબૂતરખાનાને ગ્રીન કપડાથી ઢાંકીને એને બંધ કરાવી દીધું હતું જેનાથી ફેરિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
આ બાબતનો ઑફિશ્યલ આદેશ સરકાર તરફથી આપવામાં આવે એ પહેલાં જ મહાનગરપાલિકા કબૂતરખાનાં બંધ કરાવવા માટે ઍક્શનમાં આવી ગઈ છે એમ જણાવતાં પ્રાણીપ્રેમી અને જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટનાં ફાઉન્ડર સ્નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકાર તરફથી ગવર્નમેન્ટ રેઝોલ્યુશન બહાર પડે એ પહેલાં જ મહાનગરપાલિકાએ ઍક્શન શરૂ કરી દીધી છે. સૌથી પહેલાં તેમણે શુક્રવારે દાદરના કબૂતરખાનાના અમુક ભાગને તોડી પાડ્યો હતો તેમ જ ત્યાં ચણ વેચતા ફેરિયાઓને તેમનો ધંધો બંધ કરવાની ધમકી આપી હતી. ત્યાર પછી ગઈ કાલે GPOની સામે આવેલા કબૂતરખાનાની પાસે બેસતા ચણના ફેરિયાઓને પોલીસની સહાયથી મહાનગરપાલિકામાં લઈ જઈને ચણ વેચવાનો ધંધો બંધ કરવાની ધમકી આપી હતી જેનો ફેરિયાઓએ સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો.’
ADVERTISEMENT
મહાનગરપાલિકા અને પોલીસે કબૂતરખાનાં પર ઍક્શન લેવાની શરૂઆત કરી એમાં ગઈ કાલે સાંજના પોણાપાંચ વાગ્યાની આસપાસ MNSના કાર્યકરો પણ જોડાતાં મામલો ગરમાયો હતો. આ બાબતની માહિતી આપતાં ગોવાલિયા ટૅન્કના કબૂતરખાના પાસે ચણાનો બિઝનેસ કરતા સુરેશ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શું સરકારે કબૂતરખાનાં બંધ કરવાનો કોઈ આદેશ આપ્યો છે? ગઈ કાલે ગોવાલિયા ટૅન્ક પાસેના કબૂતરખાના પર લીલું કપડું ઢાંકીને એને જબરદસ્તીથી બંધ કરવા માટે રાજકીય પક્ષના ૧૫થી વધુ કાર્યકરો આવી ગયા હતા. તેમણે અમને ફેરિયાઓને પણ ચણ વેચવાનું બંધ કરવા માટે ધમકી આપી હતી જેને કારણે ફેરિયાઓમાં ફફડાટ ફેલાયો છે.’
છેલ્લાં ચાર વર્ષથી કબૂતરખાનાં માટે લડી રહેલા પરેલના એક કબૂતરખાનાના કૅરટૅકર રાજુ ગુપ્તાએ ‘મિડ-ડે’ કહ્યું હતું કે ‘પરેલની બૉમ્બે ડાઇંગ કંપની પાસે અમે કબૂતરખાનું ચલાવતા હતા જ્યાં રોજના હજારો કબૂતર ચણવા આવતા હતા. જોકે ચાર વર્ષ પહેલાં આ કબૂતરખાનાને સ્થાનિક રહેવાસીઓના વિરોધથી મહાનગરપાલિકાએ બંધ કરી દીધું હતું, એની સામે મેં અમુક સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરો અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને પત્ર લખીને કબૂતરો માનવજાત માટે કેટલાં જોખમી છે અને અત્યાર સુધીમાં કબૂતરોને લીધે કેટલાં લોકોનાં મૃત્યુ થયાં એના આંકડા માગ્યા હતા જેની સામે ડૉક્ટરોએ કબૂતરના ચરકથી કે પીછાંથી ખતરો હોવાની વાતનો ઇનકાર કર્યો હતો. આજદિન સુધી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી આ બાબતમાં કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી. પ્રાણીપ્રેમીઓ કોર્ટમાં જશે તો હું બધાં જ એવિડન્સ સાથે તેમની સાથે જોડાવા તૈયાર છું.’
જૈન અગ્રણી અને જીવદયાપ્રેમી અતુલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જલીકુટ્ટીના એક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ સૃષ્ટિ પર ફક્ત માનવીઓને એકલાને જ જીવવાનો હક નથી; પશુ-પક્ષીઓને પણ શાંતિથી જીવવાનો, ભૂખ્યા નહીં રહેવાનો, ભસવાનો અને સન્માનથી જીવવાનો અધિકારી છે. વધુમાં બંધારણની કલમ ૫૧ (એ) (જી) પ્રમાણે પણ પ્રત્યેક નાગરિકોને પ્રાણીઓ પ્રત્યે કરુણા રાખવાની બંધારણીય મૂળભૂત ફરજ છે. મહાનગરપાલિકા કોઈ પણ કાયદો બંધારણની વિરુદ્ધમાં પાસ કરી શકતી નથી અને કબૂતરો એક જ જગ્યાથી ટેવાયેલાં હોય છે. તમે એનાં કબૂતરખાનાં તોડશો તો તેઓ ભૂખે મરશે જે ગેરબંધારણીય છે.’

