ટાર્ગેટ ૬૨૦૦ કરોડનો હતો અને મળ્યા ૬૧૯૮ કરોડ રૂપિયા, પણ એ છતાં...
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન
નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫માં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ અત્યાર સુધીનો સૌથી વધુ ૬૧૯૮ કરોડ રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કર્યો હતો. જમા કરવામાં આવેલો આ ટૅક્સ સુધરાઈના ૬૨૦૦ના ટાર્ગેટથી માત્ર બે કરોડ રૂપિયા ઓછો છે.
૨૦૨૩-’૨૪ના વર્ષ કરતાં ગયા વર્ષે ૨૭ ટકા વધુ પ્રૉપર્ટી ટૅક્સ કલેક્ટ કરવામાં આવ્યો છે. ૨૦૨૩-’૨૪માં ૪૮૬૫ કરોડ પ્રૉપર્ટી ટૅક્સ કલેક્ટ કરવામાં આવ્યો હતો. જોકે ગયા વર્ષે જે પ્રૉપર્ટી ટૅક્સ કલેક્ટ કરવામાં આવ્યો છે એમાં ૨૦૨૩-’૨૪ના ૧૬૦૦ કરોડ જેટલા ટૅક્સનો સમાવેશ છે.
ADVERTISEMENT
આ વર્ષે ૪ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું એમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ માટે ૫૨૦૦ કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. પ્રૉપર્ટી ટૅક્સ એ BMCની આવકનો એક મુખ્ય સ્રોત છે. ૨૦૧૭ સુધી ઑક્ટ્રૉયમાંથી BMCને સૌથી વધુ આવક થતી હતી. એ પછી ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) આવતાં ઑક્ટ્રૉય નાબૂદ થઈ ગઈ હતી. હવે BMCની આવકનો મુખ્ય સ્રોત પ્રૉપર્ટી ટૅક્સ છે. એક ભૂતપૂર્વ નગરસેવકનું કહેવું છે કે જો BMCએ મોટા ડિફૉલ્ટરો પાસેથી બાકી નીકળતો ટૅક્સ વસૂલ કર્યો હોત તો પ્રૉપર્ટી ટૅક્સના કલેક્શનમાં હજી ઘણો વધારો થઈ શક્યો હોત.

