Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરની કન્સ્ટ્રક્શન-સાઇટ્સને સૌથી વધુ ૧૦૫ શો-કૉઝ નો‌ટિસ

ઘાટકોપરની કન્સ્ટ્રક્શન-સાઇટ્સને સૌથી વધુ ૧૦૫ શો-કૉઝ નો‌ટિસ

Published : 07 November, 2026 08:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિલિટરી NOC ન હોય તો બાંધકામ અટકાવવાનો ડિફેન્સ મિનિસ્ટ્રીનો આદેશ મલાડ-કાંદિવલીના ૧૭૦થી વધુ પ્રોજેક્ટ્સ અટવાયા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


BMCની મંજૂરી હોવા છતાં લોકલ મિલિટરી ઑથોરિટીની પરવાનગી ફરજિયાત : મહારાષ્ટ્ર સરકારે BMCને કામ રોકવા નિર્દેશ આપતાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફફડાટ

ઍર-પૉલ્યુશન સામેની ફાઇટમાં BMCએ ઑક્ટોબરમાં કન્સ્ટ્રક્શન સાઇટ્સને ૪૨૮ કારણદર્શક અને ૪૪ને સ્ટૉપ-વર્ક નોટિસ ફટકારી



સંરક્ષણમથકો નજીક સ્થાનિક મિલિટરી ઑથોરિટીના નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) વિના ચાલી રહેલાં તમામ બાંધકામો તાત્કાલિક અસરથી અટકાવી દેવા કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે આદેશ જાહેર કર્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) કે અન્ય સરકારી તંત્રે મંજૂરી આપી દીધી હોય તો પણ લશ્કરી NOC વિના કામ ચાલુ ન રાખી શકાય. આ નિર્દેશ બાદ મહારાષ્ટ્ર સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (UDD)એ BMCનાં કમિશનરને પત્ર લખીને આ આદેશનો તાત્કાલિક અમલ કરવા જણાવ્યું છે.
આ આદેશથી મુંબઈના રિયલ એસ્ટેટ સેક્ટરમાં, ખાસ કરીને ઑર્ડનન્સ ડેપોની આસપાસનાં ઉપનગરોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. પ્રૅક્ટિસિંગ એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સ ઍન્ડ ટાઉન પ્લાનર્સ અસોસિએશન (ઇન્ડિયા)ના પ્રમુખ યોમેશ રાવના જણાવ્યા મુજબ માત્ર મલાડ અને કાંદિવલી વિસ્તારમાં જ ૧૨૦થી વધુ પ્રોજેક્ટ્સ વિવિધ તબક્કે બાંધકામ હેઠળ છે, જ્યારે બીજા ૫૦ પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લાં ૧૬ વર્ષથી ચાલી રહેલી આ અસમંજસને કારણે બિલ્ડર્સ અને ઘર ખરીદનારા પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
રાજ્ય સરકારના ઍડિશનલ ચીફ સેક્રેટરી અસીમકુમાર ગુપ્તાએ અગાઉ સંરક્ષણ મંત્રાલયને પત્ર લખીને એવી દલીલ કરી હતી કે નિયમો મુજબ અપાયેલી મંજૂરીઓ કમિટેડ ડેવલપમેન્ટ ગણાય છે એટલે એ પાછી ખેંચવી મુશ્કેલ બને છે. જોકે સંરક્ષણ મંત્રાલયે આ દલીલ ફગાવી દઈને સશસ્ત્ર-દળોની સુરક્ષાને સર્વોચ્ચ ગણાવીને લશ્કરી NOCનું ચુસ્ત પાલન કરવાનો આગ્રહ રાખ્યો છે. સંરક્ષણ-મથકોની ૫૦૦ મીટરની હદમાં બાંધકામના નિયમોને લઈને અગાઉ પણ વિવાદો થઈ ચૂક્યા છે ત્યારે આ નવા આદેશથી મુંબઈના પ્રોજેક્ટ્સ ફરી અનિશ્ચિતતામાં ધકેલાયા છે.


હવામાં પ્રદૂષણ-નિયંત્રણ માટેની ગાઇડલાઇન્સનું પાલન ન કરતી કન્સ્ટ્રક્શન-સાઇટ્સ સામે કડક પગલાં લેતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા પહેલીથી ૩૧ ઑક્ટોબર દરમ્યાન ૪૨૮ શો-કૉઝ અને ૪૪ સ્ટૉપ-વર્ક નોટિસ આપવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશો હેઠળ BMC દ્વારા આ પ્રદૂષણ-નિયંત્રણના નિયમો કડક રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે. મુંબઈના તમામ ૨૬ વૉર્ડમાં ફ્લાઇંગ સ્ક્વૉડ્સ દ્વારા બાંધકામ-સ્થળોનું સતત ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે અને કારણદર્શક નોટિસ આપ્યા બાદ નિયમોનું પાલન કરવા માટે ૭ દિવસનો સમય આપવામાં આવે છે.’
આ નોટિસોમાંથી સૌથી વધુ ૧૦૫ કારણદર્શક નોટિસ N વૉર્ડ (ઘાટકોપર)માં ફટકારવામાં આવી છે, જે સમગ્ર મુંબઈમાં સૌથી વધુ છે. ત્યાર બાદ R-નૉર્થ વૉર્ડ (દહિસર)માં ૫૪ નોટિસ, T વૉર્ડ (મુલુંડ)માં બાવન નોટિસ અને G-સાઉથ વૉર્ડ (વરલી-લોઅર પરેલ)માં ૪૮ નોટિસ આપવામાં આવી છે.
બીજી તરફ સૌથી વધુ ૯ સ્ટૉપ-વર્ક નોટિસ K-સાઉથ વૉર્ડ (અંધેરી-વિલે પાર્લે-ઈસ્ટ)માં આપવામાં આવી છે. ત્યાર બાદ R-સેન્ટ્રલ વૉર્ડ (બોરીવલી)માં ૮ તેમ જ D વૉર્ડ (મલબાર હિલ-તાડદેવ) અને K-નૉર્થ વૉર્ડ (જોગેશ્વરી ઈસ્ટ-મરોલ)માં ૪-૪ કામ બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે.
આ સાઇટ્સમાં જાહેર અને ખાનગી બાંધકામ-સ્થળો તેમ જ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે હાલ મુંબઈમાં કુલ ૩૨૦૦ સક્રિય કન્સ્ટ્રક્શન-સાઇટ્સ છે.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 08:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK