૨૦૧૦થી ૫૦ ટકા ટૅક્સ ચૂકવતી હોર્ડિંગ કંપનીઓને બિલ ફટકારવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા કાયદાકીય સુધારા બાદ હવે BMC ૨૦૧૦થી પાછલી અસરથી કૅપિટલ વૅલ્યુ સિસ્ટમ (CVS) લાગુ કરી શકશે. આ મહત્ત્વના ફેરફારને કારણે મુંબઈમાં જાહેરાતનાં હોર્ડિંગ્સ લગાવતી કંપનીઓ પાસેથી બાકી રહેલા અંદાજે ૨૫૨ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવશે.
BMCએ ૨૦૧૦માં પ્રૉપર્ટી ટૅક્સ માટે કૅપિટલ વૅલ્યુ સિસ્ટમ દાખલ કરી હતી. જોકે આ પદ્ધતિ સામે અનેક કાયદાકીય પડકારો ઊભા થયા હતા. ૨૦૧૨થી વચગાળાની વ્યવસ્થા તરીકે કેટલીક કંપનીઓને જૂના દર મુજબ ૧૦૦ ટકા અને નવી CVS પદ્ધતિ મુજબ ૫૦ ટકા ટૅક્સ ભરવાની છૂટ આપવામાં આવી હતી. આ દરમ્યાન અનેક હોર્ડિંગ કંપનીઓએ માત્ર ૫૦ ટકા પ્રૉપર્ટી-ટૅક્સ ચૂકવ્યો હતો, જેના પરિણામે BMCને કરોડો રૂપિયાની લેણી રકમ બાકી નીકળતી હતી.
ADVERTISEMENT
BMCના ડેટા મુજબ મુંબઈમાં હાલમાં કુલ ૧૬૯૬ નાનાં-મોટાં અને ડિજિટલ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. હોર્ડિંગ્સ લગાવવા માટે આ કંપનીઓ પાસે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) મુજબ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (UDD)ની મંજૂરી મળ્યા બાદ હવે BMC આ કંપનીઓને ૨૦૧૦થી બાકી રહેલા ટૅક્સ અને પેનલ્ટી સાથેનાં નવાં બિલ ફટકારશે.
