Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં સ્કૂલો ખૂલશેખરી? વેઇટ ઍન્ડ વૉચ

મુંબઈમાં સ્કૂલો ખૂલશેખરી? વેઇટ ઍન્ડ વૉચ

25 September, 2021 09:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાળાઓ ઓપન કરવાની જાહેરાત તો થઈ પણ બીએમસી કહે છે કે જો મહાનગરમાં કોરોનાના દરરોજના કેસનું કાઉન્ટ ૫૦૦-૬૦૦ સુધી રહેશે તો જ સ્કૂલો ઓપન થશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રનાં એજ્યુકેશન મિનિસ્ટરે ગઈ કાલે શહેરના વિદ્યાર્થીઓ માટે આઠમાથી લઈને બારમા ધોરણ સુધી ઑફલાઇન ક્લાસ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ બધાની નજર મુંબઈમાં શું નિર્ણય લેવાશે એના પર છે. સરકારે મહાનગરપાલિકા ક્ષેત્રમાં આ નિર્ણય લેવાનો અધિકાર કમિશનરને આપ્યો છે ત્યારે આ બાબતે સુધરાઈના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીનો સંપર્ક કરતાં તેમણે સ્કૂલ શરૂ કરવા બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યાર સુધી અમે સરકારે જે પણ નિર્ણયો લીધા છે એને અમલમાં મૂક્યા છે. જ્યાં સુધી ચાર તારીખથી સ્કૂલ શરૂ કરવાની વાત છે તો અમે પરિસ્થિતિને મૉનિટર કરી રહ્યા છીએ. ચોથી તારીખે જ ગણેશોત્સવ પૂરો થયાને પંદર દિવસ થઈ રહ્યા છે અને જો ત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના કેસ રોજના ૫૦૦-૬૦૦ની આસપાસ રહેશે તો સ્કૂલ શરૂ કરવામાં કોઈ તકલીફ ન પડવી જોઈએ.’

૪ ઑક્ટોબરથી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ધોરણ પાંચથી બાર અને શહેરોમાં ધોરણ આઠથી બારના પ્રત્યક્ષ ક્લાસરૂમ શરૂ કરવાની જાહેરાત ગઈ કાલે શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે કરી હતી.



વર્ષા ગાયકવાડે સ્કૂલમાં પ્રત્યક્ષ ક્લાસરૂમ શરૂ કરવા બાબતે કહ્યું હતું કે ‘ટાસ્ક ફોર્સ અને શિક્ષણક્ષેત્રના નિષ્ણાતો પાસેથી મળેલી સૂચનાને આધારે સરકારે ૪ ઑક્ટોબરથી સ્કૂલ-કૉલેજમાં ક્લાસરૂમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સ્કૂલ અને કૉલેજના પ્રિન્સિપાલને આ બાબતની માહિતી આપવામાં આવશે. એટલું જ નહીં, સ્કૂલ એજ્યુકેશન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ગાઇડલાઇન્સની જાણ પણ ટૂંક સમયમાં પેરન્ટ્સને અને સ્કૂલોને કરવામાં આવશે.’


એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનની મંજૂરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા મહિને પણ સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ ત્રીજી લહેરની શક્યતાને ધ્યાનમાં રાખીને એને મુલતવી રાખવામાં આવ્યો હતો. સ્કૂલ શરૂ કરવા માટે એસઓપી તૈયાર કરવામાં આવી છે જે દરેક સ્કૂલને જણાવવામાં આવશે.’

સ્કૂલ-કૉલેજના ક્લાસરૂમ્સ શરૂ કરવા બાબતના અધિકાર જિલ્લાના કલેક્ટર કે મહાનગરપાલિકાના કમિશનરોને આપવામાં આવ્યા છે. તેઓ પોતપોતાના જિલ્લા અને મહાનગરપાલિકા ક્ષેત્રમાં કોરાનાની સ્થિતિ અનુસાર સોશ્યલ ડિસ્ટન્સિંગ કે બીજા નિયમો જાહેર કરશે.


ઘણા પેરન્ટ્સ બાળકોને સ્કૂલોમાં મોલકતાં હજી પણ ડરતા હોવાનું ધ્યાનમાં આવતાં પેરન્ટ્સ બાળકને સ્કૂલમાં મોકલવા ન માગતા હોય તો તેમના પર સ્કૂલ કે કૉલેજ દબાણ નહીં કરી શકે. આવા વિદ્યાર્થીઓ ઑનલાઇન ભણી શકે છે.

જો કોઈ પણ વિદ્યાર્થીને શ્વાસ લેવામાં તકલીફ થવી, ઠંડી લાગવી, તાવ આવવો, આંખો લાલ થવી, આંગળીમાં સોજો આવવો, વૉમિટ થવી કે પછી પેટમાં દુખાવો થવાની ફરિયાદ હોય તો તેને તરત જ ડૉક્ટરની પાસે મોકલવાનું એસઓપીમાં કહેવામાં આવ્યું છે. આ સિવાય દરેક સ્કૂલને હેલ્થ ક્લિનિક રાખવાનું પણ કહેવામાં આવશે.

ડિગ્રી કૉલેજ દિવાળી પછી

રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણપ્રધાન ઉદય સામંતે ડિગ્રી કૉલેજો શરૂ થવા બાબતે ગઈ કાલે પુણેમાં એક કાર્યક્રમ બાદ કહ્યું હતું કે ‘દિવાળી બાદ સરકાર કૉલેજ શરૂ કરવાનો વિચાર કરી રહી છે. અત્યારે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોવાથી અમને લાગી રહ્યું છે કે દિવાળીના વેકેશન બાદ ડિગ્રી કૉલેજો શરૂ કરવામાં કોઈ વાંધો નહીં આવે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કૅબિનેટ પ્રધાનો આનો અંતિમ નિર્ણય લેશે.’

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2021 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK