વિલિંગ્ડન હાઇટ્સના ૧૭થી ૩૪ માળ ગેરકાયદે હોવાને કારણે રઝળી પડ્યા છે લોકો : દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે બિલ્ડિંગને OC અને ફાયર NOC આપવામાં આવશે
ગઈ કાલે BMCના હેડક્વૉર્ટરમાં વિરોધ-પ્રદર્શન કરતા રહેવાસીઓ. તસવીરો : અતુલ કાંબળે
તાડદેવના વિલિંગ્ડન હાઇટ્સ બિલ્ડિંગના ૩૦ પરિવારોને ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમ કહીને આશાનું કિરણ દેખાડ્યું હતું કે બિલ્ડિંગને ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) અને ફાયર-ડિપાર્ટમેન્ટનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળશે.
મહારાષ્ટ્ર રાજ્યના કૅબિનેટ મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢાએ આ સંદર્ભમાં કહ્યું હતું કે ‘હવે બધાને વિલિંગ્ડન હાઇટ્સના રહેવાસીઓનો વ્યથા ખબર છે. રહેવાસીઓનાં કોઈ વાંક નથી, બિલ્ડરે ગેરકાયદે રીતે વધારાના માળ બાંધ્યા હતા. BMC સાથે વારંવાર ફૉલો-અપ કરવા છતાં એણે OC અને ફાયર NOC નહોતાં આપ્યાં. બૉમ્બે હાઈ કોર્ટે ૨૭ ઑગસ્ટ સુધીમાં રહેવાસીઓને ફ્લૅટ ખાલી કરવાનું કહ્યું હતું અને તેમણે આ આદેશનું પાલન કર્યું હતું. એ છતાં પોતાની ભૂલ નથી એ મુદ્દો આગળ ધરવા રહેવાસીઓએ ગઈ કાલે BMCના કમિશનરની ઑફિસ સમક્ષ શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો. જોકે મુખ્ય પ્રધાનના આશ્વાસન પછી તેઓ છૂટા પડ્યા હતાં.’
ADVERTISEMENT
વિલિંગ્ડન હાઇટ્સમાંથી પોતાનો સામાન શિફ્ટ કરતાં વસંત કેનિયા અને તેમનાં પત્ની.
તાડદેવના વિલિંગ્ડન હાઇટ્સ બિલ્ડિંગમાં ૧૭ માળથી ઉપરના માળ માટે ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) ન હોવાને કારણે ૧૭થી ૩૪ સુધીના માળ ખાલી કરવાની નોટિસ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આપી હતી. એના વિરોધમાં બિલ્ડિંગના રહેવાસીઓ બૉમ્બે હાઈ કોર્ટમાં ગયા હતા. જોકે હાઈ કોર્ટે પણ બિલ્ડિંગ ખાલી કરવાની સમયમર્યાદામાં વધારો કરવાની સ્પષ્ટ મનાઈ કર્યા બાદ ૨૭ ઑગસ્ટે લોકોએ તેમના ફ્લૅટ ખાલી કર્યા હતા.
બિલ્ડિંગના એક રહેવાસી કહ્યું હતું કે ‘મુંબઈ ફાયર-બ્રિગેડ તરફથી અમને કમ્પ્લાયન્સ લેટર મળ્યો છે, પરંતુ એ નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ ન ગણી શકાય એમ કહીને BMCએ ફ્લૅટ ખાલી કરવાની સમયમર્યાદામાં છૂટ આપી નથી. BMC આ લેટર માન્ય રાખીને અમને મદદ કરી શકે છે.’
BMCના અધિકારીઓએ કહ્યું હતું કે ‘૩ અઠવાડિયાંની આપેલી સમયમર્યાદા ૨૭ ઑગસ્ટે પૂરી થઈ હતી. ત્યાર બાદ પણ જો ફ્લૅટ ખાલી ન થાય તો એ અદાલતનો અનાદર ગણાશે અને બળજબરીપૂર્વક ફ્લૅટ ખાલી કરાવવાની ફરજ પડશે.’

