આતંકવાદીઓ પાસે ધર્મ પૂછવાનો સમય હોય છે? આવો સવાલ કરનારા કૉન્ગ્રેસના વિજય વડેટ્ટીવારને દેવેન્દ્ર ફડણવીસનો જવાબ
દેવેન્દ્ર ફડણવીસ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ક્રૂરતાપૂર્વક ૨૬ ટૂરિસ્ટની હત્યા કરી હતી એમાં મહારાષ્ટ્રના છ ટૂરિસ્ટ હતા. બધાને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હોવાનું જીવ ગુમાવનારા ટૂરિસ્ટોના પરિવારજનોએ સ્પષ્ટપણે કહ્યું છે. જોકે કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના નેતા વિજય વડેટ્ટીવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘આતંકવાદીઓ હુમલો કરે છે ત્યારે તેમની પાસે લોકોનો ધર્મ પૂછવાનો સમય હોય છે? આતંકવાદીઓ પાસે એટલો સમય ક્યાં હોય છે કે તેઓ કાનમાં તમારો ધર્મ પૂછવા બેસે? કેટલાક લોકોએ આતંકવાદીઓએ ગોળીબાર કરતી વખતે ધર્મ પૂછ્યો હોવાનું નકાર્યું છે. આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો. પહલગામમાં હુમલો કરનારાઓ સામે કઠોર કાર્યવાહી કરવામાં આવે, પણ આને કોઈ ધર્મનો રંગ ન આપે.’
વિજય વડેટ્ટીવારના નિવેદનનો જવાબ આપતી વખતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘આ પ્રકારનું નિવેદન આપીને કૉન્ગ્રેસ હુમલામાં જીવ ગુમાવનારા ટૂરિસ્ટ-પરિવારના જખમ પર મીઠું ભભરાવી રહી છે. વિજય વડેટ્ટીવારે પોતાની વ્યક્તિ ગુમાવનારા પરિવારને સાંત્વન આપવાને બદલે તેમની ભાવનાને ઠેસ પહોંચાડી છે.’

