બાંદરા-ઈસ્ટમાં સ્ટેશન પાસે પચાવી પાડવામાં આવેલી ૫૩૦૦ સ્ક્વેર મીટર જમીન ખાલી કરાવવા વેસ્ટર્ન રેલવેએ પાંચ દિવસનું ઑપરેશન શરૂ કર્યું : પાંચસો બાંધકામો હટાવવામાં આવશે, ૧૦૦ ઝૂંપડાંઓ ટકી જશે
ગઈ કાલે બાંદરા-ઈસ્ટના ગરીબનગરમાં રેલવેની જગ્યા પર બંધાયેલાં ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. તસવીર : સૈયદ સમીર અબેદી
લાંબા અંતરની વધુ મેલ-એક્સપ્રેસ ટ્રેનો દોડાવી શકાય એ માટે વેસ્ટર્ન રેલવે દ્વારા બાંદરા ટર્મિનસનું એક્સપાન્શન કરવામાં આવી રહ્યું છે એટલે ગઈ કાલથી રેલવેની હદમાં આવેલા ગરીબનગરની ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદે બંધાયેલાં પતરાંનાં ત્રણથી ૪ માળ ઊંચાં કાચાં સ્ટ્રક્ચર જેમાં ઘર, કમર્શિયલ ગાળા અને દુકાનોનો સમાવેશ થાય છે એ બધું જ તોડી પાડવામાં આવ્યું હતું. એને કારણે એના રહેવાસીઓ રોડ પર આવી ગયા હતા. રેલવે દ્વારા પાંચ દિવસ સુધી ડિમોલિશનની આ કાર્યવાહી ચાલુ રહેશે. મુંબઈ સેન્ટ્રલ અને દાદર ટર્મિનસથી હવે વધુ ટ્રેનો દોડાવવી શક્ય ન હોવાથી બાંદરા ટર્મિનસનાં હાલ ૭ પ્લૅટફૉર્મ છે એ વધારીને ત્યાંથી વધુ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડિમોલિશનની કાર્યવાહીનો વિરોધ થઈ શકે એની જાણ હોવાથી મોટી સંખ્યામાં સ્પૉટ પર વેસ્ટર્ન રેલવેના ઑફિસરો, સ્થાનિક પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ગવર્નમેન્ટ રેલવે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. JCB સાથે કરવામાં આવેલી આ કાર્યવાહી અંતર્ગત એ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
ખુલ્લામાં આશરો
ડિમોલિશનની કાર્યવાહીને કારણે ત્યાં રહેતા લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને વિરોધ કર્યો હતો, પણ પોલીસે તેમને ત્યાંથી નીકળી જવા કહ્યું હતું. એ લોકોએ તેમનો સામાન બહાર કાઢીને ખુલ્લા ચોગાનમાં મૂક્યો હતો. બપોરના સમયે સખત તાપ પડતાં કેટલાક પરિવારોએ પ્લાસ્ટિકનું ટેમ્પરરી છાપરું બનાવીને એની નીચે આશરો લીધો હતો.
સ્થાનિક રાજકારણીઓ આવી પહોંચ્યા
કેટલાક સ્થાનિક રાજકારણીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા એટલે થોડો વખત ડિમોલિશનની કાર્યવાહી અટકી ગઈ હતી. તેમણે કાર્યવાહી કરતા ઑફિસરોને માનવતાના ધોરણે રજૂઆત કરી હતી. ત્યાર બાદ તેમને પણ એ કાર્યવાહી શા માટે કરવામાં આવી રહી છે એની સ્પષ્ટ સમજ આપ્યા બાદ તેમણે પણ સમજદારી દાખવીને પાછીપાની કરવી પડી હતી. જોકે એ પછી તેમણે પણ ત્યાંથી નીકળી જવાનું મુનાસિબ માન્યું હતું અને ડિમોલિશનની કાર્યવાહી ફરી પાછી ચાલુ કરી દેવાઈ હતી.
હાલની શું પરિસ્થિતિ છે?
હાલ બાંદરા ટર્મિનસમાં ૭ પ્લૅટફૉર્મ છે અને રોજની ૨૧ લાંબા અંતરની ટ્રેનો એના પરથી છોડવામાં આવે છે. મુંબઈ સેન્ટ્રલમાં પાંચ પ્લૅટફૉર્મ પરથી રોજની ૨૦ અને દાદરનાં બે પ્લૅટફૉર્મ પરથી
રોજની ૧૦ ટ્રેનો છૂટે છે.
શા માટે વધુ પ્લૅટફૉર્મની જરૂરિયાત?
રેલવે દ્વારા મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાંથી વેસ્ટર્ન અને સેન્ટ્રલ લાઇનમાં વધારાની પચાસ ટ્રેનો છોડવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એટલી ટ્રેનોને હૅન્ડલ કરવા માટે પ્લૅટફૉર્મ તો જોઈએ. એથી બાંદરામાં એક્સપાન્શનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગરીબનગરની ગેરકાયદે ઊભી કરાયેલી વસાહત દૂર કરવા ૨૦૧૭થી કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે
રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ જાહેર જગ્યા અધિનિયમ હેઠળ કાર્યવાહી ૨૦૧૭ પહેલાં શરૂ કરવામાં આવી હતી અને ૨૦૧૭ની ૨૭ નવેમ્બરે જગ્યા ખાલી કરાવવાનો ઑર્ડર પસાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મામલાની લગભગ ૯ વર્ષ સુધી જુડિશ્યલ ઇન્ક્વાયરી કરવામાં આવી હતી, જેમાં બૉમ્બે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ સુનાવણીનો સમાવેશ થાય છે.
વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું કે ૨૦૨૬ની ૨૯ એપ્રિલે બૉમ્બે હાઈ કોર્ટનો તાજેતરનો આદેશ એ પછીની કાર્યવાહીમાં અને સુપ્રીમ કોર્ટ સમક્ષ માન્ય રાખવામાં આવ્યો હતો અને જૉઇન્ટ સર્વે પ્રોસેસ દ્વારા ગેરકાયદે અતિક્રમણ દૂર કરવાની મંજૂરી આપી હતી. અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ડિમોલિશન ઝુંબેશ દરમ્યાન એલિજિબલ સ્ટ્રક્ચરને ખલેલ પહોંચાડવામાં નથી આવી રહી.nરેલવે વહીવટી તંત્રે જણાવ્યું હતું કે આ કામગીરી ઍક્ટિવ ટ્રૅકને અડીને આવેલા રેલવે સેફ્ટી ઝોનમાં આવેલી જમીન પર કેન્દ્રિત છે, જ્યાં ગેરકાયદે ઝૂપડાંમાં રહેતા લોકોની અવરજવર ટ્રેનોની અવરજવર માટે જોખમ ઊભું કરે છે. વેસ્ટર્ન રેલવેએ વધુમાં જણાવ્યું હતું કે મુંબઈની રેલક્ષમતા વધારવા અને લાખો મુસાફરો માટે સુવિધા આપી શકાય એ માટે આ પટ્ટો ડેવલપમેન્ટ કરવો જરૂરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ખાલી કરાયેલી જમીન ભવિષ્યના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને ટેકો આપશે જેમાં પાંચમી અને છઠ્ઠી રેલવે લાઇનનું વિસ્તરણ, ઑપરેશનલ ફ્લેક્ઝિબિલિટી અને મુંબઈથી વધારાની લાંબા અંતરની ટ્રેનસેવાઓ શરૂ કરવાનો સમાવેશ થાય છે.
કિરીટ સોમૈયાએ ડિમોલિશનની સાઇટ પર જઈને પોલીસનો આભાર માન્યો
ગેરકાયદે બંગલાદેશીઓ વિરુદ્ધ છેલ્લા ઘણા સમયથી અભિયાન ચલાવી રહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયા પણ બાંદરા-ઈસ્ટમાં ચાલી રહેલા ડિમોલિશનની સાઇટ પર પહોંચ્યા હતા અને ગેરકાયદે બંગલાદેશીઓનાં ઘર તોડી પાડવા બદલ પોલીસનો આભાર માન્યો હતો.
