બિહારનાં પરિણામો પછી વિરોધ પક્ષો પર દેવેન્દ્ર ફડણવીસનો કટાક્ષ
દેવેન્દ્ર ફડણવીસ
બિહારમાં નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ની ભવ્ય જીતને બિરદાવતાં ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘બિહારની જનતાનો હું આભાર માનું છું. આપણો વિજયરથ સતત આગળ દોડી રહ્યો છે. નરેન્દ્ર મોદી પર દેશવાસીઓનો ભરોસો છે. ફેક નેરેટિવને જનતા જ જવાબ આપી દે છે. જ્યાં સુધી કૉન્ગ્રેસ સહિતના વિરોધ પક્ષો જમીન પરની હકીકત સમજી નથી લેતા ત્યાં સુધી એમની હાલત આવી જ થશે. ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)નો મુદ્દો હોય કે વોટચોરીનો મુદ્દો હોય, તેઓ સતત એનું એ જ બોલ્યા કરે છે. કોર્ટ કહે છે કે આ માટેનો પુરાવો આપો તો એક પણ પુરાવો તેઓ આપતા નથી. હવામાં ગોળીબાર કરનારાઓને હવે જમીન દેખાઈ રહી છે. એમની આ જ હાલત સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં પણ થવાની છે.’
આગામી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પરિષદની ચૂંટણીમાં મોટો વિજય મેળવવાનો છે એમ જણાવીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જ્યાં પણ શક્ય થશે ત્યાં અમે યુતિ કરીશું. જ્યાં યુતિ ન થાય ત્યાં ફ્રેન્ડ્લી ફાઇટ થશે. આ ચૂંટણીમાં વિજયી ઉમેદવાર મહાયુતિનો જ હોય એવો અમે પ્રયાસ કરીશું. જનતાના આશીર્વાદથી આ ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યમાં નંબર વન પાર્ટી હશે.’
ADVERTISEMENT
સીટ-શૅરિંગના મુદ્દે બે દિવસમાં સ્પષ્ટતા થઈ જશે :મુખ્ય પ્રધાન
મહારાષ્ટ્રમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મહાયુતિ ગઠબંધનમાં એકસાથે લડશે કે કેમ એ વિશે મુખ્ય પ્રધાને ગઈ કાલે એવું પણ કહ્યું હતું કે ‘સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે. કેટલીક જગ્યાએ મહાયુતિના પક્ષો પહેલેથી જ સાથે છે, કેટલીક જગ્યા પર બે પક્ષો સાથે છે, જ્યારે કેટલીક જગ્યાએ સાથે નથી. આ નિર્ણયો રાજ્યસ્તરે લેવામાં આવતા નથી. આવનારા બે દિવસમાં આ બધી બાબતે સ્પષ્ટતા થઈ જશે. સ્થાનિક સ્તરે સીટ-શૅરિંગમાં સ્ટેટ લેવલ પર ક્યારેય નિર્ણય લેવામાં આવતો નથી. જિલ્લા સ્તરે બધું ફાઇનલ થાય છે.’


