૨૦૩૪ શું કામ, ૨૦૮૦ સુધી રહેવા દો મુખ્ય પ્રધાનઃ શિંદેસેનાના રામદાસ કદમ
દેવેન્દ્ર ફડણવીસ
મહાયુતિની સરકારમાં સાથે હોવા છતાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના વચ્ચે બધું સમુંસૂતરું નથી. પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ફસાયેલા રાજ્યના ટૂરિસ્ટોને મદદ કરવા અને પાછા લાવવા માટે બન્ને પક્ષમાં શ્રેયવાદ ચાલી રહ્યો હોવાનું કહેવાય છે ત્યારે BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘વિકસિત મહારાષ્ટ્ર દેવેન્દ્ર ફડણવીસનું સપનું છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાનપદ પર રહેશે તો જ વિકસિત મહારાષ્ટ્રનો તેમનો સંકલ્પ પૂરો થઈ શકે છે. તેમના નેતૃત્વમાં આપણે આગળ જવાનું છે. તેઓ ૨૦૩૪ સુધી મુખ્ય પ્રધાન રહેશે.’
આ બાબતમાં એકનાથ શિંદેને પૂછવામાં આવતાં તેમણે માત્ર હાથ જોડીને નમસ્કાર કરીને પોતાની શુભેચ્છા હોવાનું કહ્યું હતું. જોકે શિવસેનાના વરિષ્ઠ નેતા રામદાસ કદમે કહ્યું હતું કે ‘૨૦૩૪ શું કામ, દેવેન્દ્ર ફડણવીસને ૨૦૮૦ સુધી મુખ્ય પ્રધાન રહેવા દો. BJP અને શિવસેના વચ્ચે કોઈ ઝઘડો લગાવવાનો પ્રયાસ કરશે તો એમાં તે સફળ નહીં થાય.’

