લગ્નસમારોહમાંથી પાછી ફરી રહેલી કાર કૂવામાં ખાબકી, ૧૨ લોકોનાં કરુણ મોત
મધ્ય પ્રદેશના મંદસૌરમાં રવિવારે ગમખ્વાર અકસ્માત થયો
મધ્ય પ્રદેશના મંદસૌરમાં રવિવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. ૧૬ લોકો સાથેની કાર કૂવામાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ ૧૨ લોકોનાં મોત થયાં હતાં. એમાં કાર સવાર આઠ લોકો અને એક બાઇકસવાર ઉપરાંત એક યુવક સામેલ છે જે તેમને બચાવવા કૂવામાં ઊતર્યો હતો. અકસ્માત બાદ કારને કાઢી લેવામાં આવી છે.
કારમાં બાળકો સહિત ૧૬ લોકો હતાં. તેઓ લગ્નસમારોહમાં સામેલ થઈને માતાજીનાં દર્શન કરવા જઈ રહ્યાં હતાં. તેમની કારની ગતિ પણ તેજ હતી. આ દરમ્યાન ગ્રામ કાચરિયામાં રસ્તા પર કારની સામે અચાનક બાઇક આવી ગઈ હતી એટલે બાઇક કારની અડફેટે આવ્યા બાદ બેકાબૂ થઈ ગઈ હતી. ત્યાં એક મોટો કૂવો હતો એમાં કાર ખાબકી હતી. આ કાર ગૅસથી ચાલતી હતી અને ગૅસ લીક થતાં મૂંઝારાથી અનેક લોકોનાં મોત થયાં હતાં. કૂવામાં લોકોને બચાવવા ઊતરેલા એક યુવકનું પણ ગૅસને કારણે મોત થયું હતું. બાદમાં SDRFની ટીમ ઑક્સિજન સિલિન્ડર સાથે કૂવામાં ઊતરી હતી અને ક્રેનની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હૉસ્પિટલમાં ખસેડ્યા હતા.

