મહારાષ્ટ્રમાં પાકિસ્તાનીઓ છુપાઈ ગયા છે એ વિશે એકનાથ શિંદેએ કહ્યું...
એકનાથ શિંદે
મહારાષ્ટ્રમાં ૫૦૨૩ પાકિસ્તાનીઓ વિવિધ વીઝા પર આવ્યા છે અને એમાંથી ૧૦૭ પાકિસ્તાનીઓનો કોઈ પત્તો ન હોવાનો શનિવારે રાજ્યના ગૃહરાજ્યપ્રધાન યોગેશ કદમે દાવો કર્યો હતો. આ વિશે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેના-પ્રમુખ એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ભારતના ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક ભારત છોડવાનું કહ્યું છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં આવેલા પાકિસ્તાની નાગરિકોને પણ રાજ્ય છોડવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આવેલા ૧૦૭ પાકિસ્તાનીઓનો પત્તો નથી લાગી રહ્યો. તેમને પોલીસ શોધશે અને જગ્યા પર જ ઠાર કરશે. એટલું જ નહીં, જે લોકોએ આ પાકિસ્તાની નાગરિકોને આશ્રય આપ્યો હશે તેમની સામે પણ પગલાં લેવામાં આવશે. પહલગામનો હુમલો ભારત પરનો હુમલો છે, દેશના આત્મા પરનો હુમલો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદીઓને પહોંચી વળવામાં સક્ષમ છે. ખૂન કા બદલા ખૂન સે લેવાની આપણા બધાની ભાવના છે. હવે આ આરપારની લડાઈ થશે. આ ભારત પરનો છેલ્લો આતંકવાદી હુમલો હશે. આજનું ભારત ઘૂસીને મારવાવાળું ભારત છે.’
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે ‘રાજ્યમાં એક પણ પાકિસ્તાની નાગરિક મિસિંગ નથી. પાકિસ્તાની નાગરિકોની માહિતી આપવામાં આવી છે એમાં ક્યાંક ભૂલ થઈ રહી હોવાનું જણાયું છે.’

