ભરૂચ નજીક કાર-અકસ્માતમાં મા-દીકરાનાં કરુણ મૃત્યુ
અકસ્માત
ડોમ્બિવલી-ઈસ્ટમાં વૈભવનગરી બંગલો નંબર ડી-૮માં રહેતી ૪૫ વર્ષનાં માતા નિશા અને પચીસ વર્ષના પુત્ર નિર્મિત અશોક પટેલનાં સોમવારે રાતે ભરૂચ નજીક અકસ્માતમાં મૃત્યુ થયાં હતાં.કચ્છ માંડવીના રત્નાપરમાં લગ્ન પતાવી બે ભાઈઓનો પરિવાર અલગ-અલગ કારમાં મુંબઈ આવી રહ્યો હતો ત્યારે નિર્મિતે આગળ જતી ટ્રકને ઓવરટેક કરવાની કોશિશ કરતાં તેની કાર રેલિંગમાં ભટકાતાં અકસ્માત થયો હતો.
વોટિંગ માટે હું અને મારા ભાઈનો પરિવાર મુંબઈ આવવા બે દિવસ અગાઉ નીકળ્યા હતા એમ જણાવતાં નિર્મિતના કાકા અરવિંદ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભુજમાં રિસેપ્શન અને રત્નાપરમાં મામેરું પતાવીને મુંબઈમાં ઇલેક્શન હોવાથી વહેલા મુંબઈ આવી જવા માટે હું, મારો પુત્ર જયનીશ, પત્ની મીના એમ એક કારમાં અને મારો મોટો ભાઈ અશોક, તેની પત્ની નિશા અને પુત્ર નિર્મિત બીજી કારમાં આવી રહ્યાં હતાં. એ સમયે મારા ભાઈની કાર નિર્મિત ચલાવી રહ્યો હતો. એ દરમ્યાન વડોદરાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ચડ્યા બાદ ભરૂચ પાસે ટ્રકને ઓવરટેક કરવા જતાં નિર્મિતે કાર પરથી કાબૂ ગુમાવતાં કાર પુલની રેલિંગ સાથે અથડાઈ હતી. કાર ખૂબ જ જોરથી અથડાઈ હોવાથી મારાં ભાભી નિશા અને કાર ચલાવી રહેલા મારા ભત્રીજા નિર્મિતનું અરેરાટીભર્યું મોત થયું હતું, જ્યારે અશોકને ઈજાઓ થઈ હતી. ગઈ કાલે ભાભી નિશા અને ભત્રીજા નિર્મિતની ડેડ-બૉડી ડોમ્બિવલીમાં લઈ જઈને અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.’