આ હુમલો કોણે અને શા માટે કર્યો હતો એની તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
સાંઈબાબાનું વિખ્યાત મંદિર જ્યાં આવેલું છે એ શિર્ડીમાં ગઈ કાલે વહેલી સવારે ઘરમાં ઘૂસીને અજાણ્યા લોકોએ એક જ પરિવારના બે પુરુષ અને એક મહિલા પર ધારદાર શસ્ત્રોથી હુમલો કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ હુમલામાં કૃષ્ણ ભોસલે અને તેના પિતા સાહેબરાવ ભોસલેને ગંભીર ઈજા થવાથી તેમનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનાથી શિર્ડીમાં ખળભળાટ મચી ગયો છે.
શિર્ડી પોલીસના જણાવ્યા મુજબ ઍરપોર્ટની પાછળ કાકડે વિસ્તારમાં રહેતા સાહેબરાવ ભોસલે દૂધની ડેરીમાં દૂધ આપવા જાય છે. દરરોજ તેઓ વહેલી સવારના દૂધ આપવા જાય છે, પણ ગઈ કાલે તેઓ દૂધ આપવા નહોતા ગયા. આથી ડેરીના કર્મચારીએ સાહેબરાવ ભોસલેના ઘરે જઈને તપાસ કરી તો ઘરમાં સાહેબરાવ અને તેમના પુત્ર કૃષ્ણાના મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેમની પાસે જ સાહેબરાવનાં પત્ની ગંભીર અવસ્થામાં પડેલાં હતાં. આથી લોકોએ તેમને તાત્કાલિક નજીકની પ્રવરા ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જઈને ઍડ્મિટ કર્યાં હતાં. પિતા-પુત્રની હત્યા થવાની જાણ પોલીસને કરતાં ફૉરેન્સિક ટીમ સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મોટરસાઇકલ પર પલાયન થઈ ગયેલા અજાણ્યા હત્યારાઓએ ધારદાર શસ્ત્રથી હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. આ હુમલો કોણે અને શા માટે કર્યો હતો એની તપાસ હાથ ધરવામાં આવી છે.

