આદિલ શાહના પરિવારે કહ્યું હતું કે આદિલ ઘરમાં કમાનારી એકમાત્ર વ્યક્તિ હતી, તેના જવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, પરિવાર પાસે રહેવા માટે યોગ્ય ઘર પણ નથી.
એકનાથ શિંદે, આદિલ હુસેન શાહ
કાશ્મીરના પહલગામમાં બાવીસમી એપ્રિલે આતંકવાદી હુમલો કરીને ૨૬ લોકોને અત્યંત ક્રૂરતાથી મારી નાખ્યા હતા એમાં સ્થાનિક ઘોડાવાળા આદિલ હુસેન શાહનો પણ સમાવેશ થાય છે. આતંકવાદી હુમલા વખતે મહારાષ્ટ્રના અસંખ્ય ટૂરિસ્ટો જમ્મુ-કાશ્મીરમાં હતા અને તેમને સહીસલામત પાછા લાવવા માટે શિવસેનાની ટીમ અને શિવસેનાપ્રમુખ એકનાથ શિંદે ખુદ કાશ્મીર ગયા હતા. તેમણે રાજ્ય સરકાર દ્વારા ટૂરિસ્ટોને પાછા લાવવા માટે હાથ ધરવામાં આવેલી વ્યવસ્થાની ચકાસણી કરી હતી. એકનાથ શિંદે શ્રીનગરમાં હતા ત્યારે શિવસેનાના પદાધિકારીઓએ પહલગામમાં રહેતા આદિલ શાહના ઘરની મુલાકાત કરી હતી. તેમણે એકનાથ શિંદે સાથે પરિવારના સભ્યોની વાત કરાવી હતી. એકનાથ શિંદેએ તેમને સાંત્વન આપ્યું હતું. આદિલ શાહના પરિવારે કહ્યું હતું કે આદિલ ઘરમાં કમાનારી એકમાત્ર વ્યક્તિ હતી, તેના જવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, પરિવાર પાસે રહેવા માટે યોગ્ય ઘર પણ નથી. આ સાંભળીને એકનાથ શિંદેએ આદિલ શાહના પરિવારને ઘર બાંધી આપવાનું કહ્યું હતું.

