રીલ બનાવવાનો શોખીન શુભમ કાંબળે માનસિક રીતે થોડોક અસ્થિર લાગે છે
પ્રતીકાત્મક તસવીર
પહલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ ૨૬ નિર્દોષ લોકોની હત્યા કર્યા બાદ ભારતમાં પાડોશી દુશ્મન દેશ સામે જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સાતારા જિલ્લાના વાઈમાં રહેતા એક યુવકે ગઈ કાલે પોતાના મોબાઇલના સ્ટેટસમાં પાકિસ્તાનનો ઝંડો મૂકવાની સાથે ભારતવિરોધી કમેન્ટ કરવાને લીધે જોરદાર ટેન્શન ઊભું થયું હતું. પાકિસ્તાનપ્રેમી આ કોઈ મુસ્લિમ યુવકે આવું કર્યું હોવાની શંકા જાય, પણ પોલીસે શુભમ કાંબળે નામના મરાઠી યુવકની લોકોની લાગણી દુભાવવાના આરોપસર ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું કે શુભમને રીલ બનાવવાનો ગાંડો શોખ છે એટલે વધુ ને વધુ લોકોને પોતાના તરફ આકર્ષિત કરવા માટે જાતજાતનાં ગતકડાં કરે છે. શુભમ કાંબળે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ જણાઈ આવ્યું છે.
સાતારા જિલ્લાના વાઈ પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સુધીર વાળુંજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વાઈમાં રહેતા એક યુવકે તેના મોબાઇલના સ્ટેટસમાં પાકિસ્તાનનો ઝંડો મૂક્યો હોવાની માહિતી આ યુવકના એક મિત્રે જ અમને આપી હતી. અમે તાત્કાલિક તપાસ શરૂ કરીને શુભમ કાંબળેની ધરપકડ કરી હતી અને તેના મોબાઇલમાંથી પાકિસ્તાનનો ઝંડો ઉડાવી દીધો હતો. અમારી તપાસમાં જણાઈ આવ્યું હતું કે શુભમ કાંબળે માનસિક રીતે અસ્થિર છે અને તેને જાતજાતની રીલ બનાવવાનો ગાંડો શોખ છે. થોડા સમય પહેલાં તે છત્રપતિ સંભાજી બનીને ગામમાં ફરવા લાગ્યો હતો. આરોપી શુભમ કાંબળે અહીંની એક કંપનીમાં કામ કરે છે. તેનાં માતા-પિતા બહુ ભણેલાં નથી. અત્યારે માહોલ ગરમ છે ત્યારે શુભમે આપણા દુશ્મન દેશનો ઝંડો લગાવવાથી કોમી રમખાણ ફાટી નીકળે એવી સ્થિતિ ઊભી થઈ શકત. બીજું, કોઈ મુસ્લિમ યુવકે આ હરકત કરી હોત તો ચોક્કસપણે કોઈ મોટી ગરબડ થાત. એક હિન્દુ અને એમાં પણ મરાઠી યુવકે આ હરકત કરી છે એ જાણીને અહીંના લોકો ચોંકી ગયા છે.’

