મહારાષ્ટ્રનું રાજકારણ ક્યારેક સ્પષ્ટ વિચારધારાઓ અને મજબૂત પક્ષીય બંધારણ માટે ઓળખાતું હતું
એકનાથ શિંદેની ફાઇલ તસવીર
મહારાષ્ટ્રનું રાજકારણ છેલ્લાં અમુક વર્ષોથી સીધા રસ્તે નથી ચાલી રહ્યું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં સત્તાના ખેલે એવા અનેક વળાંક લીધા છે કે સામાન્ય માણસને પણ પ્રશ્ન થાય કે મહારાષ્ટ્રના રાજકારણમાં ખરેખર શું ચાલી રહ્યું છે? મહારાષ્ટ્રનું રાજકારણ ક્યારેક સ્પષ્ટ વિચારધારાઓ અને મજબૂત પક્ષીય બંધારણ માટે ઓળખાતું હતું. કૉન્ગ્રેસ-રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP) એક તરફ અને BJP-શિવસેના બીજી તરફ. આ બે ધ્રુવો વચ્ચેની સ્પર્ધા સ્પષ્ટ હતી, પરંતુ છેલ્લા દાયકામાં પરિસ્થિતિ એવી બદલાઈ કે ગઠબંધન વિચારધારા પર નહીં, સત્તાની સંભાવના પર બનવા લાગ્યાં. વિપક્ષી પાર્ટીઓના કદ્દાવર નેતાઓનું BJPમાં જોડાવું, શિવસેનાનું વિભાજન, NCPમાં ફાટ અને ત્યાર બાદ પણ વારંવાર બદલાતાં સત્તાનાં સમીકરણોએ મતદારોને પણ અચંબામાં મૂકી દીધા હતા. કોણ કોનો સાથી, કોણ કોનો વિરોધી જેવા સતત ઉતારચડાવ વચ્ચે મહારાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિતદાદા પવારની અણધારી વિદાયે ફરી એક વખત રાજકીય પાટા હચમચાવી નાખ્યા છે.
હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં એક વાત સ્પષ્ટ દેખાઈ આવી કે BJP અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે પહેલાં જેવો તાલમેલ રહ્યો નથી. બેઠકોની વહેંચણી હોય કે ઉમેદવારોની પસંદગી, ઘણી જગ્યાએ બન્ને પક્ષ અલગ-અલગ દિશામાં ચાલતા દેખાયા. મુંબઈ અને થાણેને છોડી દઈએ તો બીજે ક્યાંય તેમની યુતિ પણ નહોતી. કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈ સહિત અનેક જગ્યાઓએ આ બન્ને પક્ષ વચ્ચેના મતભેદ ખૂલીને સામે આવ્યા હતા. બન્ને પક્ષના આગેવાનો ભલે સબ બરાબરનો દાવો કરતા હતા, પરંતુ રાજકીય ચર્ચાઓમાં તો અહીં સુધી કહેવાતું હતું કે બન્ને વચ્ચે અંતર ઘણું જ વધી ગયું છે અને ગઠબંધન માત્ર સત્તા માટે ટક્યું છે, મનથી નહીં.
ADVERTISEMENT
મહાનગરપાલિકાઓની ચૂંટણી બાદ મહારાષ્ટ્ર રાજ્યમાં જિલ્લાપંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આવા સમયે બીજી એક રાજકીય ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું હતું કે જિલ્લાપંચાયતની ચૂંટણીઓ દરમ્યાન કે એ પછી પવાર કુટુંબ એક થાય અને NCP ફરીથી એક થઈ જાય (જોકે આ ચર્ચાએ તો હવે વધારે જોર પકડ્યું છે). આવી સ્થિતિમાં રાજકીય પંડિતો BJP માટે એક નવું સત્તા-સમીકરણ જોઈ રહ્યા હતા, જ્યાં સંયુક્ત રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી BJP સાથે સરકારમાં જોડાય. આવી સ્થિતિમાં એકનાથ શિંદેની શિવસેના સરકારમાં ન જોડાય તો પણ BJPની સરકારને ખાસ ખતરો ન રહે એવો અંદાજ ઘણા રાજકીય વિચારકો લગાડી રહ્યા હતા.
પરંતુ રાજકારણમાં જો-તો પર ચાલતી ગણતરીઓ હંમેશાં સાચી ઠરતી નથી. અજિત પવારની અણધારી વિદાયે આ આખું રાજકીય ગણિત એક ઝટકામાં બદલી નાખ્યું છે. રાજકીય વિશ્લેષકો અનુસાર જે સંભવિત વિકલ્પને ધ્યાનમાં રાખીને BJP આગળની ચાલ વિચારી રહી હતી એ વિકલ્પ અચાનક ગાયબ થઈ ગયું છે. પરિણામે BJPને પોતાના ઘણા નિર્ણયો અટકાવવા પડી શકે એમ છે. BJP સામે આજે સૌથી મોટો પ્રશ્ન એ આવ્યો છે કે મહારાષ્ટ્રમાં સરકાર ટકાવી રાખવી હોય તો શું એકનાથ શિંદે વિના ચાલે એમ છે? હવે આ પરિસ્થિતિમાં એકનાથ શિંદેને બિલકુલ હળવાશથી લઈ શકાય એમ નથી.
અહીંથી જ એકનાથ શિંદેનું રાજકીય મહત્ત્વ વધુ સ્પષ્ટ બનતું જાય છે. જ્યાં થોડા સમય પહેલાં સુધી રાજકીય પંડિતો એકનાથ શિંદેને એક વિકલ્પ ગણતા હતા ત્યાં હવે તેઓ આવશ્યક બની ગયા છે. સરકારની સ્થિરતા હવે એકનાથ શિંદેની શિવસેનાની ભૂમિકા પર ઘણે અંશે આધાર રાખે છે. તેમની વધી રહેલી લોકપ્રિયતા, સામાન્ય નેતા તરીકેની તેમની છબી, દરેક પરિસ્થિતિમાં સંયમ રાખીને નિર્ણય લેવાની તેમની આવડત, વગર જરૂરી કોઈ પણ જાતનો પ્રતિભાવ ન આપવાની તેમની શૈલી અને વ્યવહારુ રાજકારણ કરવાની તેમની રીત વગેરે આ અસ્થિર રાજકીય માહોલમાં તેમને વધુ મજબૂત બનાવે છે.
આજે મહારાષ્ટ્રના રાજકારણમાં જે નેતા પરિસ્થિતિને સમજીને, સમય પ્રમાણે પોતાનું સ્થાન મજબૂત કરી શકે તે જ ટકી શકે છે. અજિત પવારની વિદાય પછી ઊભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે એકનાથ શિંદે એ તક ઓળખી લે એટલી તો તેઓ સમજ ધરાવે જ છે અને એનો પૂરેપૂરો લાભ પણ લેશે. અંતે સામાન્ય માણસની ભાષામાં કહીએ તો રાજકારણની આ ગૂંચવણભરી રમતમાં આજે એકનાથ શિંદે એ સ્થાન પર આવી પહોંચ્યા છે જ્યાં તેમને અવગણીને સરકાર ચલાવવી મુશ્કેલ બની ગઈ છે. બદલાતાં સત્તાનાં સમીકરણો વચ્ચે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેનું રાજકીય કદ ભલે ધીમે-ધીમે પણ ચોક્કસપણે વધતું જાય છે અને આવનારા દિવસોમાં આ કદ હજી વધુ મોટું થાય એવી સંભાવના નકારી શકાતી નથી.
- રાજેશ ચાવડા


