૨૦ મોબાઇલ અને કૅશ કાઉન્ટરમાંથી ૧.૩૦ લાખ રોકડા મળીને કુલ સાડાસાત લાખની માલમતા તફડાવી ગયા
મોબાઇલની દુકાનમાં ચોરી કરવા છત તોડવામાં આવી હતી.
ઘાટકોપર-ઈસ્ટના પટેલ ચોક નજીક આવેલી ભાનુશાલી મોબાઇલ પૉઇન્ટ નામની દુકાનમાં શનિવારે રાતે ચોરી થઈ હતી. દુકાનનાં પતરાં તોડીને તસ્કરો ૭ લાખ રૂપિયાની માલમતા રવિવારે વહેલી સવારે તફડાવી ગયા હતા. પંતનગર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ચોરી કરવા આવેલા તસ્કરો ૨૦ મોંઘા મોબાઇલ લઈ ગયા હોવાથી પોલીસ એ મોબાઇલને ટ્રેસ કરીને આરોપીઓ વિશે માહિતી મેળવવાના પ્રયાસ કરી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું. એ ઉપરાંત દુકાનમાંના CCTV કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી છે.
દુકાનના માલિક અનિલ ભાનુશાલીએ
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે રાતે દુકાન બંધ કરીને અમે ઘરે ગયા હતા. ત્યાર બાદ રવિવારે સવારે મારી દુકાનમાં કામ કરતા માણસે દુકાન ખોલી ત્યારે દુકાનની છત તૂટેલી જોવા મળી હતી. તેણે મને તાત્કાલિક ઘટનાની જાણ કરી હતી. દુકાને જઈને તપાસ કરતાં ૨૦ મોંઘા મોબાઇલ ચોરાયા હોવાનું જાણવા મળ્યું હતું. એ ઉપરાંત કૅશ કાઉન્ટરમાં રાખેલા ૧.૩૦ લાખ રૂપિયા પણ ચોરાયા હતા. કુલ ૭ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ હોવાની ખાતરી થતાં મેં ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. ચોરી કરવા આવેલો એક ચોર દુકાનની અંદર ઘૂસ્યો હતો અને બીજો બહાર વૉચ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.’
ADVERTISEMENT
પંતનગરના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી મોબાઇલની દુકાનમાં ચોરી થઈ હતી.
સ્ટેશન વિસ્તાર રાતે પણ ચહલપહલ ધરાવતો હોવાથી ચોર દુકાનનું શટર તોડવાને બદલે છત તોડીને અંદર પ્રવેશ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ કેસમાં આરોપીની ઓળખ કરવા દુકાનમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવી રહ્યાં છે.’


