૧૩૬ જર્જરિત બિલ્ડિંગમાંથી ૮૪ બિલ્ડિંગ સામે કાર્યવાહી કરવામાં આવી
ગયા ચોમાસામાં વિરારમાં તૂટી પડેલું રમાબાઈ અપાર્ટમેન્ટ નામનું ગેરકાયદે બિલ્ડિંગ.
વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)માં બાવન બિલ્ડિંગ અતિ જર્જરિત અવસ્થામાં હોવાનું સામે આવ્યું છે. ગયા વર્ષે VVMC દ્વારા ૧૩૬ બિલ્ડિંગને જર્જરિત જાહેર કરવામાં આવ્યાં હતાં. એમાંથી ૮૪ બિલ્ડિંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ હજી પણ બાવન બિલ્ડિંગ જોખમી હાલતમાં ઊભાં છે.
જર્જરિત જાહેર કરાયેલાં બિલ્ડિંગોના રહેવાસીઓને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. એમ છતાં હજી પણ ૮ બિલ્ડિંગમાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને રહે છે. ૨૬ બિલ્ડિંગનો પ્રસ્તાવ હાલ ટેક્નિકલ ઍડ્વાઇઝરી કમિટી પાસે નિરીક્ષણ માટે પેન્ડિંગ છે. ગયા વર્ષે વિરાર-ઈસ્ટના વિજયનગર વિસ્તારમાં ૪ માળનું જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતાં ૧૭ લોકોનાં કરુણ મોત થયાં હતાં, જેને ધ્યાનમાં રાખીને પ્રશાસન આ વર્ષે વધુ સાવચેત બન્યું છે. જોકે કેટલાંક બિલ્ડિંગોના કેસ કોર્ટમાં હોવાથી અને કેટલાક કેસ કમિટી પાસે પેન્ડિંગ હોવાથી પાલિકા સામે આ બિલ્ડિંગો ખાલી કરાવવાં એક મોટો પડકાર છે.
ADVERTISEMENT
જર્જરિત બિલ્ડિંગ ખાલી કરાવવા માટે પોલીસને પત્ર લખીને સૂચના આપવામાં આવી છે. ચોમાસું શરૂ થાય એ પહેલાં શહેરની તમામ અત્યંત જોખમી ઇમારતોને ખાલી કરાવી લેવામાં આવશે અને ત્યાર બાદ એમને તોડી પાડવામાં આવશે, જેથી જાનમાલનું નુકસાન અટકાવી શકાય.
