આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને મોડે સુધી કૂલિંગ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
અંધેરી-વેસ્ટમાં સ્વામી વિવેકાનંદ રોડ પર સબવેની સામે આવેલા ૧૮ માળના ચાંદીવાલા કમ્પાઉન્ડના પર્લ રીજન્સી બિલ્ડિંગમાં શનિવારે બપોરે ૨.૧૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ફાયર-બ્રિગેડના એક ઑફિસરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આગ પહેલા માળે આવેલા ઇલેક્ટ્રિક ડક્ટમાં લાગી હતી. એ પછી આગ ડક્ટમાં જ ઉપરની તરફ દસમા માળ સુધી ફેલાઈ હતી. આગમાં ઇલેક્ટ્રિક વાયરો બળીને ખાખ થઈ ગયા હતા. વાયર બળવાને કારણે બહુ ધુમાડો થયો હતો.’
આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર-બ્રિગેડ, સ્થાનિક ડી. એન. નગર પોલીસ, ઍમ્બ્યુલન્સ અને BMCના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. આગમાં કોઈના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી. ફાયર-બ્રિગેડે પહેલા, બીજા અને ત્રીજા માળે ફસાયેલા ૨૭ લોકોને બચાવી લીધા હતા. જોકે એમાંથી કેટલાક લોકોના શ્વાસમાં ધુમાડો ગયો હોવાથી તેમને કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એ પછી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને મોડે સુધી કૂલિંગ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું.


