આરોપીઓ અશ્લીલ ફોટો વાઇરલ કરવાની ધમકી આપીને ખંડણી માગતા હતા
પ્રતીકાત્મક તસવીર
બદલાપુરના ભૂતપૂર્વ નગરસેવક શૈલેશ વડનેરેને એક મહિલા દ્વારા પહેલાં એક અજાણ્યા નંબર પરથી વૉટ્સઍપ પર એક વિડિયો મોકલવામાં આવ્યો હતો. આ વિડિયોમાં અશ્લીલ ફોટો હતા. આ ફોટો વાઇરલ કરવાની ધમકી આપીને ૫૦ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. શરૂઆતમાં તો કોઈ મજાક કરી રહ્યું હોવાનું માનીને શૈલેશ વડનેરેએ ધમકીને ગંભીરતાથી નહોતી લીધી. જોકે બાદમાં વારંવાર ધમકી આપવામાં આવતાં ભૂતપૂર્વ નગરસેવકે બદલાપુર-ઈસ્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બદલાપુર-ઈસ્ટ પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ ભૂતપૂર્વ નગરસેવક શૈલેશ વડનેરે પાસેથી ખંડણી માગવાના આરોપસર અક્ષય ઉર્ફે બકરી જાધવ, રોનિત આડારકર, દીપક વાઘમારે અને પુષ્કર કદમ નામના ચાર આરોપીની ૧૨ માર્ચે ધરપકડ કરીને કોર્ટમાંથી તેમની ૧૫ માર્ચ સુધીની પોલીસ-કસ્ટડી મેળવી હોવાનું સિનિયર ઇન્સ્પેક્ટર કિરણ બાલવડકરે કહ્યું હતું.

