૬૭ વર્ષની ઉંમરે સર્વસ્વ ભસ્મીભૂત થયેલું જોઈને એડિસનનો પુત્ર ચાર્લ્સ અતિશય ગ્લાનિ પામ્યો. થૉમસે પુત્રને જોઈ સૌપ્રથમ પૂછ્યું, ‘ચાર્લ્સ, તારી માતા ક્યાં છે?’
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
‘I am not discouraged because every wrong attempt discarded is another step forward. So, I Haven’t Failed in my life.’ અર્થાત્, હું ગ્લાનિ પામતો નથી, કારણ કે મારા દરેક ખોટા પ્રયોગથી હું એક પગલું આગળ વધું છું; એટલે જ હું મારા જીવનમાં ક્યારેય હાર્યો નથી.
ઉપરોક્ત શબ્દ ઉચ્ચારનાર વ્યક્તિ એટલે અમેરિકન વૈજ્ઞાનિક થૉમસ આલ્વા એડિસન; જેમણે વિશ્વને માઇક્રોફોન, ફોનોગ્રાફ, લાઇટ બલ્બ, સ્ટોરેજ બૅટરી, ધ્વનિ સહિતનાં ચલચિત્રો અને અન્ય ૧૦૦૦થી વધુ શોધોની ભેટ આપી છે. થૉમસ એડિસને સ્ટોરેજ બૅટરી પાછળ ૧૦ વર્ષ મહેનત કરી, એમાં તેમને ઘણો ખર્ચ થયો; પણ ૧૯૧૪ના ડિસેમ્બર મહિનાની એક સાંજે ન્યુ જર્સીની વેસ્ટ ઑરેન્જ સિટીમાં આવેલી તેમની પ્રયોગશાળામાં આકસ્મિક આગ લાગતાં રાસાયણિક સંયોજનો ભડકે બળ્યાં. થોડા જ સમયમાં આખી પ્રયોગશાળા આગની જ્વાળામાં લપેટાઈ ગઈ. ૮ નગરોનાં અગ્નિશામક દળોએ ભારે લડત આપી છતાં બધું જ વ્યર્થ. ૨૦ લાખ ડૉલરથી વધુ કિંમતનું નુકસાન થયું, જેની સામે વીમો ફક્ત ૨,૨૮,૦૦૦ ડૉલરનો જ હતો!
ADVERTISEMENT
૬૭ વર્ષની ઉંમરે સર્વસ્વ ભસ્મીભૂત થયેલું જોઈને એડિસનનો પુત્ર ચાર્લ્સ અતિશય ગ્લાનિ પામ્યો. થૉમસે પુત્રને જોઈ સૌપ્રથમ પૂછ્યું, ‘ચાર્લ્સ, તારી માતા ક્યાં છે?’
‘ખબર નથી.’
‘તેને જલદી બોલાવ. જીવનમાં આવું દૃશ્ય તેને ફરી ક્યારેય જોવા નહીં મળે!’
બીજા દિવસે ભસ્મીભૂત થયેલી પ્રયોગશાળાના અવશેષો જોઈને એડિસને કહેલું, ‘સારું થયું કે આમાં મારી બધી
ભૂલો બળી ગઈ. હવે હું નવેસરથી શરૂઆત કરીશ.’
ઉપરોક્ત વચનોના ઉચ્ચારણ બાદ માત્ર ત્રણ જ અઠવાડિયાંમાં તેમણે સૌપ્રથમ ફ્રોનોગ્રાફની વિશ્વને ભેટ ધરી.
ખરેખર, નિષ્ફળતા વ્યક્તિને જીવન જીવતાં શીખવે અને ખરા અર્થમાં વ્યક્તિનું ઘડતર કરીને તેને અનુભવી બનાવે. એક કવિએ સાચું જ કહ્યું છે...
શમા પરવાને કો જલના સિખાતી હૈ,
સાંઝ સૂરજ કો ઢલના સિખાતી હૈ,
ગિરનેવાલે કો કોસતે હો ક્યોં?
ઠોકર ઇન્સાન કો જીના સિખાતી હૈ...
ખરેખર, વ્યક્તિ જીવનના મહત્ત્વના પાઠ સફળતાની સાપેક્ષે નિષ્ફળતામાંથી વધારે શીખતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે માનવ પોતાના જીવનમાં સૌથી મોટી નિષ્ફળતા એ માને છે કે વારંવાર પ્રત્યનો કરવા છતાં સફળતા પ્રાપ્ત નથી થતી. જોકે સફળતા એટલી સસ્તી નથી કે સહજમાં પ્રાપ્ત થાય. સોનાને શુદ્ધ થવા માટે તપવું પડે છે, ટિપાવું પડે છે. આપણને એવું લાગે છે કે મને સફળતા પ્રાપ્ત નથી થતી, પરંતુ આપણી જાણ બહાર નિષ્ફળતાના ભઠ્ઠામાં સફળતારૂપી ફળ પાકી રહ્યું હોય છે.
-પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા

