ઘાટકોપરના ભણેલાગણેલા ગુજરાતી યુવાનને છેતરી ગયા સાઇબર ગઠિયા, ઘાટકોપરની જ યુવતીએ ૪૮,૬૫૨ રૂપિયાનો પ્રૉફિટ મેળવ્યા પછી ગુમાવ્યા ૪,૬૭,૦૮૩ રૂપિયા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઘાટકોપર-વેસ્ટના એલબીએસ માર્ગ પર આર સિટી મૉલ નજીકની હાઇરાઇઝ સોસાયટીમાં રહેતા ૩૭ વર્ષના ગુજરાતી યુવક અને ઘાટકોપરમાં ભટ્ટવાડી વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષની યુવતીએ પાર્ટ-ટાઇમ કામ કરીને વધારે પૈસા કમાવાની લાલચમાં સાઇબર ફ્રૉડમાં ૭,૫૩,૬૦૦ રૂપિયા ગુમાવ્યા હોવાની બે ફરિયાદ પાર્કસાઇટ અને ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. સાઇબર ગઠિયાઓએ ગુજરાતી યુવાનને રેસ્ટોરાંને ફાઇવસ્ટાર રેટિંગ આપવાનું પાર્ટટાઇમ કામ આપીને લલચાવવા માટે પહેલાં ૨૦૦ રૂપિયાનો પ્રૉફિટ આપ્યો હતો. ત્યાર બાદ તેની પાસેથી ધીરે-ધીરે કરીને ૨,૮૬,૫૧૧ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આવી જ રીતે ભટ્ટવાડીમાં રહેતી યુવતીને ૪૮,૬૫૨ રૂપિયાનો પ્રૉફિટ આપીને ૪,૬૭,૦૮૩ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ બન્ને કેસમાં પીડિતો વેલ-એજ્યુકેટેડ હોવા છતાં સાઇબર છેતરપિંડીનો શિકાર થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
૨૦૦ રૂપિયાનો પ્રૉફિટ આપીને બે દિવસમાં યુવાન પાસેથી ૨,૮૬,૫૧૧ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા એમ જણાવતાં પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આર સિટી મૉલ નજીક આવેલી એક સોસાયટીમાં રહેતા યુવકને જુલાઈ મહિનાની શરૂઆતમાં ટેલિગ્રામ પર પાર્ટટાઇમ કામ કરીને વધુ ઇન્કમ કમાવાનો મેસેજ મળ્યો હતો. એની વધુ માહિતી લેવા જતાં તેને વિવિધ રેસ્ટોરાંની લિન્ક મોકલી એના પર ફાઇવસ્ટાર રેટિંગ આપવા માટે કહેવામાં આવ્યું હતું. એ મુજબ યુવકે તમામ રેસ્ટોરાંની લિન્ક પર ફાઇવસ્ટાર રેટિંગ આપી દીધું હતું. દરમ્યાન થોડી વારમાં તેને ૨૦૦ રૂપિયા પ્રૉફિટ થયો હોવાનું કહી તેનું બૅન્ક-અકાઉન્ટ લઈને એના પર ૨૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બીજો ટાસ્ક આપવામાં આવ્યો હોવાનું કહીને વિવિધ બહાને બે દિવસમાં યુવક પાસેથી ૨,૮૬,૫૧૧ રૂપિયા લેવામાં આવ્યા હતા. એ પછી પણ વધુ પૈસાની ડિમાન્ડ કરવામાં આવતાં યુવાનને છેતરપિંડી થઈ હોવાની ખાતરી થઈ હતી. આ મામલે અમે જે અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે એની માહિતી કાઢવાની કોશિશ કરી રહ્યા છીએ.’
ADVERTISEMENT
સાઇબર ગઠિયાઓએ સામેથી ૪૮,૬૫૨ રૂપિયા મોકલી ભટ્ટવાડીમાં રહેતી યુવતીને વિશ્વાસમાં લઈને તેની પાસેથી ૪,૬૭,૦૮૩ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા એમ જણાવતાં ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જુલાઈ મહિનાના અંતમાં પાર્ટટાઇમ નોકરી આપતો એક મેસેજ યુવતીને ટેલિગ્રામ પર મળ્યો હતો. એની માહિતી લેવા એના પર ક્લિક કરતાં સામેના યુવાને સોશ્યલ મીડિયા પર આપવામાં આવતો ટાસ્ક પૂરો કરે તો પૈસા મળતા હોવાનો દાવો કર્યો હતો. દરમ્યાન યુવતીએ આપેલો ટાસ્ક પૂરો કરતાં ત્રણથી ૪ દિવસ સુધી સતત પૈસા આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ પ્રીમિયમ ટાસ્ક પૂરો કરતાં વધારે નફો મળશે એવી લાલચ આપીને યુવતી પાસેથી પૈસા લેવાની શરૂઆત કરી હતી અને ધીરે-ધીરે કરીને ૪,૬૭,૦૮૩ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં યુવતીએ આ ઘટનાની જાણ સાઇબર પોર્ટલ પર કરી હતી. આ મામલે અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’

