આવી સ્પષ્ટ માન્યતા ધરાવતા ઘાટકોપરના ૯૧ વર્ષના વસંત મહેતાના અવસાન પર દીકરીઓએ અને જમાઈઓએ પપ્પાની છેલ્લી ઇચ્છા પૂરી કરવા તેમના દેહદાનનો અને ત્વચાદાનનો નિર્ણય લીધો
ત્રણેય દીકરીઓ સાથે વસંત મહેતા.
ઘાટકોપર-વેસ્ટના ૯૧ વર્ષના વસંત મહેતા (બટુકભાઈ) ગઈ કાલે સવારે અવસાન પામ્યા હતા. તેમની ત્રણેય દીકરીઓ વર્ષોથી મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. વસંતભાઈએ તેમના પરિવારજનો સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમના મૃત્યુ પછી તેમનો પાર્થિવ દેહ મેડિકલ રિસર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવે. તેમની આ ઇચ્છાને પૂરી કરવા તેમની દીકરીઓ અને જમાઈઓ સહિત પરિવારજનોએ તેમના મૃત્યુ બાદ તેમના પાર્થિવ દેહને મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હૉસ્પિટલને દાન કરવાનો અને તેમની ત્વચાને નવી મુંબઈમાં આવેલા નૅશનલ બર્ન્સ સેન્ટરને દાન કરવાનો નિર્ણય લીધો હતો.
દશા શ્રીમાળી જૈન વસંત મહેતાને ત્રણ દીકરીઓ છે : શિલ્પા પરેશ સંઘવી, સ્વાતિ કિરીટ મહેતા અને શીતલ સુમિત પારેખ. શિલ્પા અત્યારે ઘાટકોપર-ઈસ્ટની સમર્પણ બ્લડ સેન્ટરમાં સેવા આપી રહી છે, બીજી દીકરી સ્વાતિ વર્ષો સુધી ઘાટકોપરની પરખ હૉસ્પિટલ સાથે સંકળાયેલી હતી અને તેમની નાની દીકરી શીતલ ઘાટકોપરમાં હોમિયોપૅથ ડૉક્ટર છે. આમ વસંતભાઈની ત્રણે પુત્રીઓનું મેડિકલ ફીલ્ડમાં યોગદાન રહ્યું છે.
ADVERTISEMENT
ત્રણે દીકરીઓના મેડિકલ ક્ષેત્રે યોગદાનથી મારા સસરા પ્રભાવિત હતા એમ જણાવતાં વસંત મહેતાના મોટા જમાઈ પરેશ સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા સસરા હંમેશાં પરોપકારી જીવના રહ્યા હતા. તેમની દૃઢ માન્યતા હતી કે ઈશ્વરે આપેલું અમૂલ્ય જીવન અને દેહ થકી જિવાયેલા જીવનનો આભાર કેવી રીતે માની શકાય? રાખ થઈને તો નહીં જ. તેઓ મેડિકલ ફીલ્ડમાં થતી નવી સિદ્ધિઓથી પણ ખૂબ જ પ્રભાવિત હતા. આથી જ તેમની તીવ્ર ઇચ્છા હતી કે તેમના નશ્વર શરીરને મેડિકલ રિસર્ચ માટે મેડિકલ કૉલેજના સ્ટુડન્ટ્સને સોંપવામાં આવે જેથી તેમને રિસર્ચમાં સહાયરૂપ બને. ગઈ કાલે તેમનું ઉંમરને લીધે મૃત્યુ થયા બાદ અમે તેમની આ ઇચ્છા પૂરી કરવાનો નિર્ણય લીધો હતો જેને નાનાં બાળકોથી લઈને સૌ પરિવારજનોએ સમર્થન આપ્યું હતું. ત્યાર બાદ પહેલાં તો અમે તરત જ નૅશનલ બર્ન્સ સેન્ટરની ટીમને બોલાવીને તેમની ત્વચા દાન કરી હતી. આજે સાંજના ૪.૩૦ વાગ્યા પછી તેમના પાર્થિવ દેહને નાયર હૉસ્પિટલની ટીમ આવીને મેડિકલ રિસર્ચ માટે લઈ જશે.’
દર્શન અને પ્રાર્થનાનો સમય
વસંત મહેતાના પાર્થિવ દેહને આજે સવારે ૧૦થી સાંજે ૪.૩૦ વાગ્યા સુધી ઘાટકોપર-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલા તેમના નિવાસસ્થાન પોકાર નિકેતન, ૩, ગાંધીનગર ખાતે દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. તેમની પ્રાર્થનાસભા શનિવારે સાંજે પાંચથી સાત વાગ્યા દરમ્યાન ઘાટકોપર જૉલી જિમખાનાના જાસ્મિન બૅન્ક્વેટ હૉલમાં રાખવામાં આવી છે.


