ગોવંડીમાંથી ક્રાઇમ બ્રાન્ચે યુવકની ધરપકડ કરી, આરોપી ગ્રાહકોના બે-ત્રણ વાર ફિંગરપ્રિન્ટ સ્કૅન કરીને સિમ કાર્ડ મેળવતો હતો
પ્રતીકાત્મક તસવીર
ગોવંડીના બૈંગનવાડીમાં આવેલી મોબાઇલની એક દુકાનમાં દસ્તાવેજ વિના ૨૫૦૦ રૂપિયામાં સિમ કાર્ડ વેચતા ૨૭ વર્ષના સમીર ખાનની સોમવારે રાતે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૬ની ટીમે ધરપકડ કરી હતી. આરોપી ગ્રાહકો પાસેથી બે વાર ફિંગર-સ્કૅન કરી ગ્રાહકોના નામે એકને બદલે બે-ત્રણ સિમ કાર્ડ કઢાવતો હતો. ત્યાર બાદ સાઇબર ગઠિયાઓને તથા અન્ય ગેરકાયદે કામ માટે સિમ કાર્ડ વેચતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી જેના આધારે છટકું ગોઠવીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી આશરે ૧૦૦થી વધુ ચાલુ સિમ કાર્ડ મળી આવ્યાં હતાં. આ કેસમાં આરોપીએ કોને-કોને સિમ કાર્ડ વેચ્યાં હતાં એની તપાસ કરવામાં આવી રહી છે.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૬ના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી આશરે દોઢેક વર્ષથી આ રીતે સિમ કાર્ડ વેચતો હતો. આરોપી મુંબઈની બહારના ગ્રાહકોને આ સિમ કાર્ડ ૨૫૦૦ રૂપિયામાં વેચતો હોવાની બાતમી અમને મળી હતી. એના આધારે સોમવારે અમે એક બોગસ ગ્રાહક તૈયાર કરી બૈંગનવાડીમાં આવેલી મોબાઇલની એક દુકાનમાં મોકલ્યો હતો. પહેલાં તો આરોપી સમીરે સિમ કાર્ડ આપવાનો ઇનકાર કર્યો હતો, પણ પછી પૈસાની લાલચમાં આવી જઈ તેણે જિયો કંપનીનું એક સિમ કાર્ડ કાઢીને આપ્યું હતું. અમારા બોગસ ગ્રાહકે અમને ઇશારો કરતાં અમે દુકાનમાં છાપો માર્યો હતો. એ સમયે જિયો, ઍરટેલ, વોડાફોન કંપનીનાં ૧૦૦થી વધુ સિમ કાર્ડ મળી આવ્યાં હતાં જે અલગ-અલગ ગ્રાહકોના નામે કઢાવવામાં આવ્યાં છે. આરોપીએ પોતાની કાર્યપદ્ધતિ વિશે જણાવતાં કહ્યું હતું કે જ્યારે કોઈ ગ્રાહક સિમ કાર્ડ લેવા આવતો ત્યારે એકને બદલે બે-ત્રણ વાર ફિંગરપ્રિન્ટ સ્કૅન કરી લેતો અને એની મદદથી એક સિમ કાર્ડ ગ્રાહકને આપ્યા બાદ બીજાં સિમ કાર્ડનો ઉપયોગ મોંઘા ભાવે વેચવા માટે કરતો હતો. આ કેસમાં બીજા આરોપીઓની સંડોવણી હોય એવી શક્યતા છે.’

