મુલુંડ-વેસ્ટના એક ફોટો સ્ટુડિયોમાં મૅટરનિટી શૂટ માટે આવેલા ૩૮ વર્ષના આદિત્ય શાહને કડવો અનુભવ થયો હ
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટના એક ફોટો સ્ટુડિયોમાં મૅટરનિટી શૂટ માટે આવેલા ૩૮ વર્ષના આદિત્ય શાહને કડવો અનુભવ થયો હતો. તેમની કારની વિન્ડોનો કાચ તોડીને ગઠિયાઓ આશરે ૪૦,૦૦૦ રૂપિયાની માલમતા ચોરી ગયા હતા. મુલુંડ પોલીસે મંગળવારે આ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કાંજુરમાર્ગમાં રહેતા આદિત્યભાઈ તેમની પ્રેગ્નન્ટ વાઇફ સાથે મંગળવારે મૅટરનિટી ફોટોશૂટ માટે મુલુંડમાં આવ્યા હતા. શૂટ પૂરો થયા પછી તેઓ બન્ને એક હોટેલમાં પાર્સલ લેવા ગયા હતા. એ સમયે તેમણે પોતાની કાર રસ્તા પર પાર્ક કરી હતી. તેમણે જ્યારે થોડા સમય પછી પાછા આવીને જોયું તો તેમની કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને અંદરથી સામાનની ચોરી થઈ ગઈ હતી.
આદિત્ય શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવાર રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસ મેં ગાડી પાર્ક કરી હતી. લગભગ કલાક પછી અમે પાછા ફર્યા ત્યારે કારનો ડાબી બાજુનો કાચ તૂટેલો હતો અને અંદરથી અમારી બૅગ અને કપડાં સહિત કેટલીક મહત્ત્વની વસ્તુઓ ચોરાઈ ગઈ હતી. એની કિંમત આશરે ૪૦,૦૦૦ રૂપિયા જેટલી હતી.’


