આ પ્રોજેક્ટથી પર્યાવરણ અને હેરિટેજ ઇમારતોને નુકસાન થવાની ચિંતા
ગેટવે ઑફ ઇન્ડિયા
મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા નજીક પ્રસ્તાવિત જેટી-કમ-ટર્મિનલ બિલ્ડિંગથી પર્યાવરણ અને હેરિટેજ સાઇટ્સને નુકસાન થશે એવી ચિંતા આસપાસના રહીશોએ દાખવી છે. એને કારણે ૨૨૯ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનું કામ હાલમાં અટકાવી દેવામાં આવ્યું છે. કોલાબામાં આવેલા ગેટવે ઑફ ઇન્ડિયાથી મોટા ભાગે ફેરી ટ્રાફિકનું નિયમન થાય છે. પ્રખ્યાત પર્યટન-સ્થળ એલિફન્ટાની ગુફાઓ અને અલીબાગની માંડવા જેટીની ફેરી સર્વિસનો ઉપયોગ કરતા મુસાફરો માટે નવી જેટી રેડિયો ક્લબ પાસે બનાવવાની યોજના છે. એમાં એકસાથે ૨૦ બોટ લંગારી શકાશે. ઉપરાંત ૩૫૦ લોકોની કેપૅસિટી ધરાવતું ઍમ્ફીથિયેટર, બર્થિંગ જેટી, અપ્રોચ જેટી, ફાયર સેફટી સિસ્ટમ અને CCTV કૅમરા જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. જોકે આ ડેવલપમેન્ટને કારણે આસપાસની હેરિટેજ ઇમારતોને નુકસાન થતું હોવાથી ક્લીન હેરિટેજ કોલાબા રેસિડન્ટ્સ અસોસિએશન (CHCRA)ની રચના કરીને રહીશોએ આ પ્રોજેક્ટ પ્રિન્સેસ ડૉક કે બૅલાર્ડ એસ્ટેટ જેવા અન્ય સ્થળે ખસેડવાની માગણી કરી છે.

